World

તુર્કીના પરફ્યુમ ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં 6 લોકોના મોત

ઉત્તરપશ્ચિમ તુર્કીના કોકેલી પ્રાંતમાં આવેલા એક પરફ્યુમ ગોડાઉનમાં આજ રોજ તા. 8 નવેમ્બર શનિવારે સવારે અચાનક આગ લાગી હતી. સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 9 વાગ્યેની આસપાસ આ ઘટના બની હતી. ત્યારબાદ સતત વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આગના જ્વાળાઓ એટલા ભીષણ હતા કે દૂર સુધી ધુમાડાના ગોટાળા દેખાઈ રહ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. એક કલાકની મહેનત બાદ અગ્નિશામક દળે આગને કાબૂમાં લીધી હતી. બચાવ ટીમોએ ગોડાઉનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ છ લોકોનાં મોત થયા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

કોકેલી પ્રાંતના ગવર્નર ઇલ્હામી અક્તાએ જણાવ્યું કે હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ ગોડાઉનમાં રહેલા રસાયણિક પદાર્થો અને પરફ્યુમના જ્વલનશીલ ઘટકોને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.

તુર્કીના પરફ્યુમ ઉદ્યોગ વિશ્વભરમાં તેની અનોખી સુગંધ માટે જાણીતો છે. આ આગના કારણે લાખો રૂપિયાનો માલ બળી ખાક થયો હોવાની આશંકા છે. ઘટનાસ્થળે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે જેથી કોઈ વધુ જાનહાનિ ન થાય.

આ ઘટનાએ સમગ્ર તુર્કીને હચમચાવી નાખ્યું છે. સરકારના ઉચ્ચ અધિકારીઓએ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ વ્યક્તિને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે.

Most Popular

To Top