Vadodara

6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની ની હાલત ખરાબ



કોર્પોરેશનની બેદરકારીના લીધે તળાવના પાણી પર લીલની ચાદર તરતી થઈ

વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ધાર્મિક આસ્થા ધરાવતું સિધ્ધનાથ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે ગંદુ ગોબરુ અને ગંધાતું બની ગયું છે. તળાવના પાણી પર લીલની ચાદર છવાઈ ગઈ છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આશરે 6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની આવી હાલત છે. અગાઉ તળાવ સાફ કરવા માટે રજૂઆત કરી હતી. વડોદરામાં આટલો ભારે વરસાદ પડ્યો હોવા છતાં પણ તળાવ ભરાયું નથી. તળાવમાં વરસાદી પાણી ભરાય તે માટે જે જોડાણ હતા, તે બંધ કરી દેવાયા છે, તેનું કારણ એ કે આ જોડાણ સાથે ગટરના પાણી પણ આવી રહ્યા છે. આમ છતાં ગટર જ્યારે ઓવરફ્લો થાય ત્યારે તળાવમાં તો ગટરના પાણી આવે જ છે. લોકોને ના પાડવા છતાં તળાવમાં પૂજાપો ફેંકી જાય છે. સિક્યુરિટી હોવા છતાં લોકો ચાલુ વાહને ઉપરથી કચરો ફેંકીને જતા રહે છે. તળાવમાં અંદર ઉતરીને સફાઈ કરવા કોઈ જતું નથી. તળાવમાં ફટકડી નાખવા તેમજ શુદ્ધ પાણી માટે બે બોર બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે ચોમાસાનું ઉપરથી પાણી પડે તે સિવાય તળાવમાં પાણીની બીજી કોઈ આવક નથી. ફુવારો બનાવવાનું પણ કહેવાયું છે. જેથી પાણીનું હલનચલન રહે. આ અંગે વારંવાર વિસ્તારના જાગૃત લોકોએ આ તળાવની તકેદારી લેવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

Most Popular

To Top