મામલતદાર, જનસેવા કેન્દ્ર સહિત ઝોનલ કચેરી નં. 1,2,4 હવે નવા સરનામે
વડોદરા :;શહેરમાં નર્મદા ભવનનું રિનોવેશન કાર્ય શરૂ થતાં હવે કેટલીક મહત્વની કચેરીઓને તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું છે. આવનારા 6 ઓક્ટોબર 2025થી મામલતદાર તેમજ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ વડોદરા શહેર (પૂર્વ)ની કચેરી સાથે જનસેવા કેન્દ્ર પણ નવા સ્થળે કાર્યરત થનાર છે.
આ ઉપરાંત ઝોનલ કચેરી નં. 1, 2 અને 4 સાથે તલાટી કચેરી વડોદરા કસ્બા અને સવાદ-નાગરવાડાની કચેરી પણ સ્થળાંતર કરાઈ છે. હવે આ બધી કચેરીઓ વડોદરા શહેરના એલેમ્બિક રોડ પર આવેલા મોડલ ફાર્મ ખાતે પંડયા બ્રિજ પાસે, જ્યોતિ પાર્ટી પ્લોટ સામે આવેલા પેસ્ટીસાઈડ લેબોરેટરીના પરિસરમાં સ્થિર કરાઈ છે.
નવા સરનામે તમામ કચેરીઓ એકસાથે કાર્યરત થવાને કારણે નાગરિકોને તેમના કામ માટે સીધું જ અહીં પહોંચવાની સુવિધા મળશે. જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર જનતાને આ ફેરફારની જાણ કરવા સાથે વિનંતી કરવામાં આવી છે કે નાગરિકો પોતાના વિવિધ કામો માટે હવે આ નવા સરનામે હાજરી આપે.