Trending

તમારા જેવા દુર્જન સાથે મારો જે સંબંધ છે તેનાથી મને હવે શરમ આવે છે

પ્રાચીન કાળથી સ્ત્રીઓને પિયર માટે બહુ લાગણી છે એવાં નિરૂપણ થતાં રહયાં છે. દક્ષ પ્રજાપતિએ શંકર ભગવાનનું અપમાન કર્યું હતું એટલે ભગવાનના મનમાં પોતાના સસરા માટે એવી કશી લાગણી ન હતી. સામાન્ય રીતે આપણો સમાજ પુત્ર કરતાં પણ જમાઇને વધુ વહાલ કરે છે, દક્ષને પોતાના જમાઇ શંકર માટે એવો કશો ભાવ ન હતો. દક્ષ પ્રજાપતિની દ્રષ્ટિએ વાઘનું ચામડું ઓઢીને ફરનારા, ગળામાં સાપ વીંટાળી રાખનારા, આખા શરીરે ભસ્મનો લેપ કરનારા, સ્મશાનમાં રહેનારા સભ્ય, સંસ્કારી ન કહેવાય. આવા આદિવાસીને પોતાના યજ્ઞ સમારંભમાં આમંત્રણ શા માટે આપવું? પ્રતિષ્ઠા જોખમાય એટલે દક્ષે મહાદેવને આમંત્રણ ન આપ્યું, પોતાની પુત્રીનો પણ એક રીતે બહિષ્કાર કર્યો. પણ સતીએ સમાચાર જાણ્યા ત્યારે તે ત્યાં જવા માટે આતુર થઇ ગઇ. શંકર ભગવાન પાસે તે સંમતિ માગવા ગઇ. પિયરમાં તો વગર આમંત્રણે જઇ શકાય પણ દક્ષના મનમાં ભર્યો અહંકાર છે, એટલે મારી દ્રષ્ટિએ તો તારે ત્યાં ન જવું જોઇએ. શંકર ભગવાનને એની પણ જાણ હતી કે દક્ષને સતી બહુ વહાલી હતી. હા, હું વાસુદેવ સિવાય કોઇને પ્રણામ નથી કરતો, એટલે મેં તારા પિતા પ્રત્યે એવો આદર ન બતાવ્યો. હવે મારી વાત ન માનીને પણ જો તું જઇશ તો પરિણામ સારું નહીં આવે.

પિયર જવાની ઇચ્છા અને શંકર ભગવાનની અનિચ્છા- આમ બંને રીતે સતી તો દ્વિધામાં પડી ગઇ. તેની આંખોમાં આંસુ આવ્યા. પિયર જવાની જીદ એના માથા પર એવી સવાર થઇ ગઇ કે પતિ સામે ક્રોધે ભરાઇને જોવા લાગી. એક બાજુ ક્રોધ અને બીજી બાજુ શોક, છતાં તેણે તો પિયરની વાટ પકડી. તેની પાછળ પાછળ ભગવાનના ગણ પણ ચાલવા લાગ્યા, સતીને વૃષભ પર બેસાડી અને બધો સરસામાન પણ આપ્યો. યજ્ઞ સ્થળે પહોંચ્યા પછી પણ દક્ષે તેને આવકારી નહીં, પ્રજાપતિના ભયથી બીજા કોઇએ પણ તેનો આદર ન કર્યો, પણ સતીની માતા, સતીની બહેનો તેને જોઇને બહુ આનંદ પામી.

સતીએ જોયું કે યજ્ઞમાં બીજા બધાનો ભાગ હતો, માત્ર શંકર ભગવાનનો જ ભાગ ન હતો, આ અપમાન તે વેઠી ન શકી, તેને બહુ ક્રોધ આવ્યો. દેવીની સાથે આવેલા ગણો ક્રોધે ભરાયા, તેમણે દક્ષને મારી નાખવાનો પ્રયાસ કર્યો પણ સતીએ તેમને રોકયા અને પિતા પર ક્રોધે ભરાઇને બોલી, ‘શંકરથી ચડિયાતું કોણ છે? કોઇ પ્રાણી પ્રત્યે તેમને વેર નથી, એકલા તમે જ તેમનો વિરોધ કરો છો, તમે એમનો દ્વેષ કરો છો, તમે જ અમંગલ છો. તમે ભગવાનની આટલી બધી નિંદા કરો છો તો હવે તમારા વડે પ્રાપ્ત થયેલા આ શરીરને શું કરું? તમારા જેવા દુર્જન સાથે મારો જે સંબંધ છે તેનાથી મને હવે શરમ આવે છે.” આમ કહીને સતી તો ઉત્તર દિશામાં ધરતી પર બેસી ગઇ, પીળું વસ્ત્ર ઓઢી લીધું, આંખો મીંચી દીધી. પ્રાણાયામ કરવા લાગી. તેણે પોતાના શરીરમાં વાયુ અને અગ્નિની ધારણા કરી, બધા દેવો હાહાકાર કરવા લાગ્યા. સતીનો દેહત્યાગ કોઇ જીરવી ન શકયું. બધા સતીત્યાગને કારણે દક્ષની ભારે નિંદા કરવા લાગ્યા. શંકરના પાર્ષદો ભારે ક્રોધે ભરાયા. પણ દેવતાઓએ તેમને ભગાડી મૂકયા.

શંકર ભગવાને નારદ ઋષિ પાસેથી આ બધા સમાચાર સાંભળ્યા, સતી ત્યાગની ઘટના સાંભળીને પોતાની એક જટા ઉખાડીને પૃથ્વી પર ફંગોળી. તેમાંથી એક વિરાટ પુરુષ પ્રગટયો અને ભગવાને તેને દક્ષ યજ્ઞનો વિનાશ કરવાની આજ્ઞા આપી. તે વીરભદ્ર હાથમાં ત્રિશૂલ લઇને નીકળ્યો. દક્ષની સ્ત્રીઓએ તો વીરભદ્રને કારણે પ્રગટેલી આંધીના મૂળમાં દક્ષને જ જવાબદાર માન્યા. ત્યાં ભગવાનના ગણોએ યજ્ઞ મંડપને ઘેરી લીધો અને તેનો વિનાશ કરવા લાગ્યા. યજ્ઞ કુંડોમાં પેશાબ પણ કર્યો. બધા ઋષિઓને, દેવતાઓને પકડયા. ભૃગુ ઋષિના દાઢીમૂછ ખેંચી કાઢયા. આ બધો વિધ્વંસ જોઇને ઋષિઓ દેવતાઓ આમતેમ ભાગી ગયા.

છેવટે મહામહેનતે દક્ષનું મસ્તક વાઢી નાખ્યું અને યજ્ઞકુંડની જવાળાઓમાં નાખી દીધું. એક રીતે જોઇએ તો દક્ષ પ્રજાપતિ દેવોના ઋષિઓના પ્રિય હતા અને છતાં શંકર ભગવાનના કોપમાંથી કોઇ કરતાં કોઇ તેમને બચાવી ન શકયું. આમ આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવો રજસ્‌, સત્ત્વ અને તમસના પ્રતિનિધિ ગણાયા. બીજી રીતે જોઇએ તો બ્રહ્મનસત્તા, ક્ષાત્ર સત્તા અને આદિમ સત્તાના આ પ્રતીકો ગણાયા. સતી અને દક્ષની કથામાં આદિમ સત્તા સર્વોપરી પુરવાર થઇ.

Most Popular

To Top