નેતાઓ મલાઈ ખાવામાં મસ્ત, પ્રજા ગંદકીમાં ત્રસ્ત, પ્રધાનમંત્રી આવાસના રહીશોએ સાથે મળી પોકાર્યો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી



(પ્રતિનિધિ), વડોદરા. તા.11
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગોત્રીની શિવાલય હાઇટ્સ (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના રહીશો આજે તંત્રની ઘોર નિષ્કાળજીનો ભોગ બન્યા છે. છેલ્લા ઘણા સમયથી ગટરની લાઈનો ચોકઅપ થઈ જવાથી સોસાયટીના માર્ગો પર ગંદા પાણી ફરી વળ્યા છે. રોગચાળાની ભીતિ અને અસહ્ય દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બનેલા રહીશોએ આજે ભેગા મળીને પાલિકા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થિતિ એટલી હદે વણસી છે કે નિર્દોષ બાળકોએ શાળાએ જવા માટે ગટરના ગંદા પાણી માંથી પસાર થઈને જવું પડે છે. ડ્રેનેજના ગંદા પાણી ને કારણે ખુબ જ ખરાબ દુર્ગંધ આવે છે, ગટરના ગંદા પાણીમાં મચ્છર અને માખીનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે કોઈ ગંભીર રોગચાળો ફેલાય તેવી દહેશત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અમે અનેકવાર રજૂઆતો કરી છતાં પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. શું તંત્ર કોઈ મોટી બીમારી કે રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે ? આ ઘટના વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમની પોકળતા છતી કરે છે.
- ભ્રષ્ટાચારની ગંધ :- રહીશોમાં ભારે રોષ છે કે નેતાઓ માત્ર મલાઈ ખાવામાં મસ્ત છે અને ગરીબ-મધ્યમ વર્ગના આવાસની સુવિધાઓ રામભરોસે છોડી દેવામાં આવી છે.
- બેદરકારીની પરાકાષ્ઠા :- વારંવાર એકની એક સમસ્યા સર્જાય છે, જે દર્શાવે છે કે પાલિકા પાસે કોઈ કાયમી ઉકેલ નથી, માત્ર થીગડા મારવાની નીતિ છે.
- કરોડોના ટેન્ડર ક્યાં જાય છે ? :- શહેરના વિકાસ માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયાના બજેટ છતાં જો નાગરિકોને નરકાગારમાં રહેવું પડતું હોય, તો આ નાણાં ક્યાં વપરાય છે તે તપાસનો વિષય છે.
શહેરમાં ઠેર-ઠેર ગટર અને ગંદા પાણીની સમસ્યા જાણે વડોદરાની ઓળખ બની ગઈ છે. શિવાલય હાઇટ્સના રહીશોનો આ આક્રોશ એ સત્તાધીશો માટે લાલબત્તી સમાન છે. સત્તાના નશામાં ચૂર નેતાઓ અને AC કેબિનમાં બેસતા અધિકારીઓ ક્યારે આ ગ્રાઉન્ડ રિયાલિટી સમજશે તે મોટો પ્રશ્ન છે. આગામી દિવસોમાં ગટરની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો રહીશો પાલિકા કચેરીએ જઈને હલ્લાબોલ કરશે અને ઉગ્ર આંદોલન છેડશે.