National

ભારત પર આજથી યુએસનો 50% ટેરિફ લાગુ થયો, કયા ક્ષેત્રોને અસર થશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલ વધારાના 25 ટકા ટેરિફનો અમલ તા.27 ઓગસ્ટ 2025થી શરૂ થઈ ગયો છે. આ પગલાને કારણે ભારતીય નિકાસ ઉત્પાદનો પર હવે કુલ 50 ટકા સુધીની ડ્યુટી વસૂલવામાં આવશે. અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગ (DHS)એ સ્પષ્ટ કર્યું છે કે આ વધારાનો ટેરિફ તા.27 ઓગસ્ટની મધ્યરાત્રિથી લાગુ થશે જે તે સમય પછી અમેરિકામાં પ્રવેશ કરનારા તમામ ભારતીય માલ પર લાગશે.

રશિયન તેલની ખરીદી કારણ
ટ્રમ્પ પ્રશાસન અનુસાર ભારતે રશિયા પાસેથી તેલ ખરીદી ચાલુ રાખી હોવાથી આ સજા સ્વરૂપે ટેરિફ બમણો કરવામાં આવ્યો છે. ટ્રમ્પે પહેલા તા.7 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે ભારત સહિત લગભગ 70 દેશો પર નવો ટેરિફ લાગુ કરવામાં આવશે. જોકે ભારતને આ મુદ્દે અમેરિકાએ સમાધાન કરવા માટે 21 દિવસનો સમય આપવામાં આવ્યો હતો પણ બંને દેશોમાં સહમતી ન બનતાં હવે આ ટેરિફ હકીકત બની ગયો છે.

મોદીની કઠોર પ્રતિક્રિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોના હિત સાથે કોઈ સમાધાન નહીં કરે. તેમની ટિપ્પણી મુજબ “અમારા પર દબાણ વધી શકે છે પરંતુ અમે તે સહન કરીશું. અમે અમારા હિતોની રક્ષા કરીશું.” મોદીના આ નિવેદનથી સ્પષ્ટ છે કે ભારત અમેરિકાના દબાણ સામે ઝૂકવાનું નથી.

કયા ક્ષેત્રોને મોટો ઝટકો?
આ વધારેલા ટેરિફને કારણે અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો મોંઘા થશે અને સીધી અસર 30 થી 35 અબજ ડોલરની નિકાસ પર પડશે. ખાસ કરીને નીચેના ક્ષેત્રો પર સૌથી વધુ અસર થવાની શક્યતા છે:

  • દરિયાઈ ઉત્પાદનો (ઝીંગા, માછલી વગેરે)
  • કાર્બનિક રસાયણો
  • કપડાં ઉત્પાદનો
  • હીરા અને સોનાના આભૂષણો
  • મશીનરી અને યાંત્રિક સાધનો
  • ફર્નિચર વગેરે

આ તમામ ક્ષેત્રોમાં ભારત અમેરિકા માટે મોટા પ્રમાણમાં નિકાસ કરે છે. વધેલી ડ્યુટી બાદ આ વસ્તુઓ અમેરિકન બજારમાં ઓછા સ્પર્ધાત્મક બનશે. જેનાથી ભારતીય નિકાસકારોને મોટું નુકસાન થઈ શકે છે.

કયા ક્ષેત્રોને મુક્તિ મળી?
જો કે કેટલીક મહત્વપૂર્ણ નિકાસને 50 ટકા ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમાં સામેલ છે:

  • ફાર્માસ્યુટિકલ્સ (દવાઓ અને હેલ્થકેર ઉત્પાદનો)
  • સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ
  • પેટ્રોલિયમ ઉત્પાદનો

આ ક્ષેત્રો અમેરિકાના પોતાના બજાર માટે અગત્યના હોવાથી તેમાંથી ડ્યુટી વધારવામાં આવી નથી.

Most Popular

To Top