ગાંધીનગર, તા. 25
છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લોમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ફાળવાયેલા આદિજાતિ વિકાસના બજેટમાંથી ગયા વર્ષે રૂ. 5,120 કરોડ ફાળવાયા હતા, પરંતુ માત્ર રૂ. 2,410 કરોડ જેટલો જ ખર્ચ થયો, અંદાજે 50 ટકા જ રકમ વપરાઈ છે. તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું છે.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે નર્મદા જિલ્લામાં રૂ. 92 કરોડ 63 લાખ 49 હજારનું બજેટ ફાળવાયું હતું. તાલુકા અને જિલ્લા કક્ષાની બેઠકમાં હાજર રહી તેમણે દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ખેતી માટે બોરવેલ, પશુપાલન માટે ગાય-ભેંસ, પીવાના પાણીની સુવિધા, નવી આંગણવાડીઓ અને શાળાના ઓરડા બનાવવા તેમજ બાળકોમાં કુપોષણ દૂર કરવા જેવી માંગણીઓ કરી હતી.
પરંતુ વિધાનસભામાં મળેલા જવાબ અને મંજૂર થયેલા કામોની યાદી મુજબ, આદિજાતિ વિકાસની ગ્રાન્ટમાંથી મોટાભાગના કામો એનજીઓ, એજન્સીઓ અને અધિકારીઓના હિતને ધ્યાનમાં રાખીને મંજૂર કરાયા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. જ્યાં શાળાઓ જ નથી, ત્યાં નવી શાળા બનાવવા બદલે અપગ્રેડેશન અને રિનોવેશનના નામે રૂ. 70-70 લાખના ખર્ચ દર્શાવવામાં આવ્યા છે. જ્યાં આંગણવાડીઓ નથી, ત્યાં કલર કામ માટે દરેક તાલુકામાં ₹50-50 લાખ ખર્ચાયા છે. બાળકો કુપોષણથી પીડાતા હોવા છતાં તેના નિવારણ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી.