પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં આતંકવાદી જૂથે પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું હોવાનું અધિકારીઓએ પુષ્ટિ કરી છે. આ બધા ભારતીયો સ્થાનિક વીજળીકરણ પ્રોજેક્ટમાં કામ કરતા હતા. ગુરુવારે કૌબી વિસ્તારની નજીક સશસ્ત્ર હુમલાખોરોએ તેમનું અપહરણ કર્યું હતું.
આ ઘટનાની પુષ્ટિ આજ રોજ તા. 8 નવેમ્બરે એક ઉચ્ચ સુરક્ષા અધિકારીએ કરી છે. તેમણે જણાવ્યું કે બધા ભારતીયો એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વીજળીકરણ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. અપહરણની જાણ થતાં જ કંપનીએ પોતાના બાકીના ભારતીય કર્મચારીઓને રાજધાની બામાકોમાં સુરક્ષિત રીતે ખસેડી દીધા છે.
કંપનીનું નિવેદન
કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે “અમારા પાંચ ભારતીય કર્મચારીઓનું અપહરણ થયું છે. બાકીના બધા કર્મચારીઓ હાલ સુરક્ષિત છે અને બામાકોમાં છે.” હાલ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ અપહરણની જવાબદારી સ્વીકારી નથી પરંતુ શંકા છે કે આ પાછળ અલ કાયદા સાથે સંકળાયેલા જૂથોનો હાથ હોઈ શકે.
JNIM જૂથ પર શંકા
માલી છેલ્લા ઘણા વર્ષોથી જેહાદી હિંસા અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. અલ કાયદા સાથે જોડાયેલું “ગ્રુપ ફોર ધ સપોર્ટ ઓફ ઇસ્લામ એન્ડ મુસ્લિમ્સ (JNIM)” ત્યાંની સૌથી સક્રિય આતંકવાદી સંગઠન તરીકે ઓળખાય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ જૂથે પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.
ગત સપ્ટેમ્બર મહિનામાં પણ JNIM આતંકીઓએ બે યુએઈ અને એક ઈરાનના નાગરિકનું અપહરણ કર્યું હતું. બાદમાં આ ત્રણેયને અંદાજે 50 મિલિયન ડોલરની ખંડણી ચૂકવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આ જૂથ હાલમાં ઉત્તર માલીથી લઈને પડોશી દેશો બુર્કિના ફાસો અને નાઇજર સુધી ફેલાઈ ગયું છે.
માલીની લશ્કરી સરકાર ફ્રાન્સ અને અમેરિકા સાથેના સંબંધો તોડી રશિયાની નજીક ગઈ છે પરંતુ હજુ સુધી આતંકવાદી હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે.
આ પહેલી વાર નથી જ્યારે ભારતીયો માલીમાં આતંકવાદીઓના નિશાન બન્યા છે. અગાઉ પણ ત્રણ ભારતીય ઈજનેરોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે પછી ભારત સરકારે અને સ્થાનિક તંત્રએ તેમની મુક્તિ માટે ખાસ પ્રયત્નો કર્યા હતા.
આ તાજેતરનું અપહરણ બતાવે છે કે માલીમાં સુરક્ષા પરિસ્થિતિ અત્યંત નાજુક છે. ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય આ મામલાની નજીકથી દેખરેખ રાખી રહ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ ક્ષેત્રમાં વધતા આતંકવાદી ખતરા પર ચિંતિત છે