દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરતાં એક મહિલા મુસાફર પાસેથી કુલ 5.42 કરોડની કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે. 18 ફેબ્રુઆરી, 2026ના રોજ, ટર્મિનલ 3 પર હોંગકોંગથી ફ્લાઇટ CX-695 પર આવી રહેલી એક મહિલા મુસાફરને સ્પોટ પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ અધિકારીઓએ અટકાવી હતી. મહિલા પાસે યુએસ પાસપોર્ટ છે. અધિકારીઓ મુજબ શરૂઆતની તપાસમાં કંઈ ખાસ શંકાસ્પદ જણાયું નહોતું, પરંતુ મુસાફરના વર્તન અને મુસાફરી સંબંધિત વિગતો શંકાસ્પદ લાગતાં વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી. સામાનનું પહેલેથી એક્સ-રે મશીન દ્વારા સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાનૂની પ્રક્રિયા અનુસરી બેગની સઘન તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન અંદાજે 1.2 કિલોગ્રામ સોનું અને હીરાના દાગીના, લગભગ 10 કિલોગ્રામ ચાંદીના વાસણો તેમ જ મોંઘી વિદેશી બ્રાન્ડની ઘડિયાળો મળી આવી હતી. જપ્ત કરાયેલ ઘડિયાળોમાં Rolex, Bulgari, Chopard અને Cartier જેવી પ્રખ્યાત બ્રાન્ડનો સમાવેશ થાય છે. વધુ તપાસમાં 9,084 યુએસ ડોલર, 605 યુરો અને 2,540 હોંગકોંગ ડોલરની વિદેશી ચલણ પણ મળી આવી હતી, જે કસ્ટમ નિયમો મુજબ જાહેર કરવામાં આવી ન હતી.
કસ્ટમ વિભાગે જણાવ્યું કે ફરજિયાત ડિકલેરેશન કર્યા વગર આ માલ દેશમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે કસ્ટમ્સ એક્ટ 1962નું ઉલ્લંઘન છે. કાયદાની કલમ 110 હેઠળ સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 552 ગ્રામ ઘરેલુ ખરીદીના સોનાના દાગીના પણ મળી આવ્યા હતા. સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા બાદ આ દાગીના મુસાફરને પરત આપવામાં આવ્યા. ત્યારબાદ સીઆરપીસીની કલમ 104 હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી. હાલ તપાસ એજન્સીઓ જપ્ત કરાયેલી વસ્તુઓના સ્ત્રોત, મુસાફરની પ્રવાસના રેકોર્ડ્સ અને કોઈ નાણાકીય કનેક્શન છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. આ કેસમાં કોઈ મોટા આંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્ક સાથે સંકળાયેલો છે કે કેમ તે દિશામાં પણ આગળ તપાસ કરવામાં આવી રહી છે.