કરોડોના ટ્રાન્ઝેક્શન ઠપ્પ,ગ્રાહકો અટવાયા
માંગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશેની ચીમકી ઉચ્ચારી

( પ્રતિનિધિ )વડોદરા,તા.27
બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે, વડોદરા શહેરમાં પણ આરાધના સિનેમાની સામે આવેલી બીઓબીની બહાર કર્મચારીઓ એકત્ર થઈ આ હડતાલમાં જોડાયા હતા અને સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનની મુખ્ય માંગ છે કે બેન્કમાં અઠવાડિયામાં 5 દિવસ કામ અને 2 દિવસની રજા માટેની વ્યવસ્થા લાગુ કરવામાં આવે. યુએફબીયુનું કહેવું છે કે માર્ચ 2024 માં ભારતીય બેન્ક સંઘ ની સાથે થયેલા વેતન સંશોધન સમજૂતીમાં તમામ શનિવારે રજા આપવાની સહમતિ થઈ હતી પરંતુ ત્યારે તેને લાગુ કરવામાં આવ્યું નહોતું. આ વિલંબના વિરોધમાં બેન્ક કર્મચારી હડતાળ પર જઈ રહ્યા છે. બેન્ક યુનિયને સ્પષ્ટ કર્યું છે કે પાંચ દિવસ કામ વ્યવસ્થા લાગુ કરવાથી કામના કલાકો પર અસર નહિ થાય. યુનિયનનું કહેવું છે કે કર્મચારી સોમવારથી શુક્રવાર સુધી રોજ લગભગ 40 મિનિટ વધુ કામ કરવા માટે તૈયાર છે જેથી અથવડિયાના કુલ સમયમાં કોઈ ઘટાડો ના થાય. આપ્રસ્તાવ સરકારને મોકલી દેવામાં આવ્યો છે. પંરતુ છેલ્લા 2 વર્ષમાં આના પર કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી. આ હડતાળમાં તમામ સરકારી બેન્કોએ ભાગ છે. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઈન્ડિયા, કેનેરા બેન્ક, ઇંડિયન બેન્ક, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા,સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયા, ઈંડિયન ઓવરસિઝ બેંક, યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ટ સિંધ બેંક સહિત તમામ સાર્વજનિક સેક્ટરની બેન્કનો સમાવેશ થાય છે. આજે વડોદરા શહેરમાં સલાટવાળા ચાર રસ્તા પાસે આરાધના સિનેમા સામે બીઓબીની બહાર યુ.એસ.બી.યુ ના કન્વીનર ડી.એલ.વ્યાસની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં બેંકના કર્મચારીઓએ એકત્ર થયો ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો અને ચેતવણી આપી છે કે જો માંગણી પુરી કરવામાં નહિ તો આંદોલન વધુ ઉગ્ર બનશે.