નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના સાત તબક્કાના મતદાન પૈકી આજે છઠ્ઠાં તબક્કાનું મતદાન વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. આજે છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મળી કુલ 58 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 889 ઉમેદવારોનું ભવિષ્ય આજે મતપેટીમાં બંધ થશે. વહેલી સવારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ વોટિંગ કર્યું હતું.
આ તબક્કામાં બિહારની 8 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, ઝારખંડની 4 બેઠકો, દિલ્હીની તમામ 7 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, ઉત્તર પ્રદેશની 14 બેઠકો, પશ્ચિમ બંગાળની 8 બેઠકો અને જમ્મુ અને કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે.
અગાઉ જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ તે મોકૂફ રાખવામાં આવી હતી. આજે છઠ્ઠા તબક્કામાં આ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે 3 વાગ્યા સુધી 58 બેઠકો પર 49.20% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 70.19% મતદાન થયું હતું. તેમજ સૌથી ઓછું યુપીમાં 43.95% મતદાન હતું.
છઠ્ઠા તબક્કાના મતદાનમાં બપોરે 3 વાગ્યા સુધી 49.20 ટકા મતદાન
દેશના આઠ રાજ્યોમાં છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આકરી ગરમી વચ્ચે પણ લોકો ઉત્સાહભેર મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધી દેશમાં 49.20 ટકા મતદાન થયું હતું.
- ઉત્તર પ્રદેશ – 43.95%
- ઓડિશા – 48.44%
- જમ્મુ કાશ્મીર – 44.41%
- ઝારખંડ – 54.34%
- પશ્ચિમ બંગાળ – 70.19%
- બિહાર – 45.21%
- દિલ્હી એનસીઆર – 44.58%
- હરિયાણા – 46.26%
બપોરે 1 વાગ્યા સુધીમાં દેશમાં 39.13% મતદાન
- બિહાર – 36.48%
- હરિયાણા – 36.48%
- જમ્મુ અને કાશ્મીર – 35.22%
- ઝારખંડ – 42.54%
- દિલ્હી – 34.37%
- ઓડિશા – 35.69%
- ઉત્તર પ્રદેશ – 37.23%
- પશ્ચિમ બંગાળ – 54.80%
દેશમાં સવારે 11 વાગ્યા સુધી 25.76 ટકા મતદાન
- યુપી – 27.06%
- ઓડિશા – 21.30%
- જમ્મુ કાશ્મીર – 23.11%
- ઝારખંડ – 27.80%
- પશ્ચિમ બંગાળ – 36.88%
- બિહાર – 23.67%
- દિલ્હી એનસીઆર – 21.69%
- હરિયાણા – 22.09%
કયા રાજ્યમાં સવારે 9 વાગ્યા સુધી કેટલા ટકા મતદાન થયું
- બિહાર – 9.66%
- હરિયાણા – 8.31%
- જમ્મુ અને કાશ્મીર – 8.89%
- ઝારખંડ – 11.74%
- દિલ્હી – 8.94%
- ઓડિશા – 7.43%
- ઉત્તર પ્રદેશ – 12.33%
- પશ્ચિમ બંગાળ – 16.54%
મત આપ્યા પછી શું બોલ્યા કેજરીવાલ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું જનતાને અપીલ કરવા માંગુ છું કે તેઓએ મતદાન કરવું જ જોઈએ, તેઓએ તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. હું સમજું છું કે મોટી સંખ્યામાં લોકો સરમુખત્યારશાહી, મોંઘવારી અને બેરોજગારી સામે મતદાન કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાનો મત આપ્યો
લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાનો મત આપ્યો. મતદાન કર્યા બાદ રાષ્ટ્રપતિ મુર્મુ પોતાની શાહીવાળી આંગળી બતાવી હતી.
આતિશીએ દિલ્હીમાં કર્યું મતદાન
દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ વહેલી સવારે જ મતદાન કર્યું હતું તેમજ તેણીએ કેન્દ્ર સરકાર ઉપર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા. તેણીએ કહ્યું કે, અમને સત્તાવાર માહિતી મળી છે કે ગઈકાલે સાંજે LGએ દિલ્હી પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી અને દિલ્હી પોલીસને તે વિસ્તારોમાં ભારતીય ગઠબંધન વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જો આમ થશે તો તે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીનું ઉલ્લંઘન હશે. તેથી, અમે આશા રાખીએ છીએ કે ચૂંટણી પંચ આ અંગે સંજ્ઞાન લેશે.
આ દિગ્ગજોએ આપ્યા મત
લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે બીજેપી સાંસદ રીટા બહુગુણા જોશી તેમના પતિ સાથે બોયઝ હાઈસ્કૂલ પહોંચી અને મતદાન કર્યું. તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન રાજીવ વાડ્રા અને પુત્રી મીરાયાએ મતદાન કર્યું હતું. ઉપાધ્યક્ષ જગદીપ ધનખર અને તેમની પત્ની સુદેશ ધનખરે દિલ્હીના એક મતદાન મથક પર મતદાન કર્યું હતું. આ સાથે જ ભારતીય પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, વિદેસમંત્રી જયશંકર, હરદીપ સિંહ પુરી અને તેમની પત્ની, હરિયાણાના પૂર્વ સી.એમ. મનોહર લાલ, બાંસુરી સ્વરાજ, બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, દિલ્હી હજ કમિટીના અધ્યક્ષ કૌસર જહાં, હરિયાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કપિલ દેવ, મહાવીર ફોગાટ, બબીતા ફોગાટ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, રોબર્ટ વાડ્રા, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, કપિલ સિબ્બલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અને તેમની પત્ની અનુપમા ચૌહાણ સહિતના ઘણા દીગજ્જોએ પોતાનો મત આપી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવી હતી.