Vadodara

49 હજારના દરે વેન્ડિંગ મશીન ખરીદ્યા, જ્યારે કંપનીની વેબસાઈટ પર ભાવ માત્ર 30 હજાર !

વડોદરા મહાપાલિકાએ ટેન્ડર વગર 9.31 લાખમાં 19 વેન્ડિંગ મશીન ખરીદતા વિવાદ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાવ મુજબ તાત્કાલિક અસરથી મશીન ખરીદ્યા હોવાનું અધિકારીઓનું રટણ

વડોદરા મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં કુલ 19 વેન્ડિંગ મશીન ખરીદવામાં આવ્યા છે. એક મશીનની કિંમત રૂ.49 હજાર રાખવામાં આવી હતી અને કુલ 9.31 લાખનો ખર્ચ કરીને એન્વીપ્યોર સોલ્યુશન કંપની પાસેથી આ ખરીદી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ, આ ખરીદી તાત્કાલિક જરૂરિયાતને ધ્યાને રાખીને કરવામાં આવી છે અને ટેન્ડરિંગ પ્રક્રિયા વિના સીધી ખરીદી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આગામી સમયમાં જ્યારે વધુ મશીનોની ખરીદી થશે ત્યારે ટેન્ડર પ્રક્રિયા અપનાવવામાં આવશે. હાલ, ટેન્ડર વિના ખરીદી થતા ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. વેન્ડિંગ મશીનમાંથી 5 રૂપિયામાં એક થેલી મળે છે અને એક મશીનની ક્ષમતા 100 બેગની છે. આ મશીનો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

મહત્વનું છે કે, એન્વીપ્યોર સોલ્યુશનની સત્તાવાર વેબસાઇટ પર આવી જ ક્ષમતા ધરાવતા મશીનની કિંમત રૂ.30 હજાર દર્શાવવામાં આવી છે. જ્યારે વડોદરા મહાનગર પાલિકાએ એ જ મશીન 49 હજારના દરે ખરીદ્યા છે. આ બાબતને લઈને ખરીદીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. પાલિકામાં ચર્ચા ચાલી રહી છે કે તાત્કાલિક જરૂરિયાતના બહાને ટેન્ડર વિના મશીનોની ખરીદી કરવામાં આવી છે અને બજારની સરખામણીમાં વધારે દરે ખરીદી કરાઈ છે. વિભાગના જણાવ્યા મુજબ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મહાનગર પાલિકાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાવ મુજબ જ વેન્ડિંગ મશીન ખરીદી લીધા છે. હવે સવાલ એ છે કે, એવી કઈ આપાતકાલીન પરિસ્થિતિ હતી કે, પાલિકાએ ટેન્ડર વિના આ ખરીદી કરવી પડી. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ ફાયર વિભાગમાં પણ બજાર કરતા વધુ કિંમતે સાધનોની ખરીદી કરતા ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા.

Most Popular

To Top