વડોદરા તારીખ 1
ગેંડા સર્કલ ખાતે બજાજ ફાઇનાન્સમાં પર્સનલ લોન ડિપાર્ટમેન્ટમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા યુવકને ઓનલાઇન ટાસ્ક પૂરા કરશો તો રોજના 900 થી 2000 કમિશન મળશે તેવી લાલચ આપી હતી. તેથી યુવક લાલચમાં આવી ગયો હતો અને ટુકડે ટુકડે બીજા બાજુએ આપેલા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા તો રૂ. 17. 12 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જેમાંથી વિશ્વાસ કેળવવા માટે 52 પરત કર્યા હતા જ્યારે બાકીના રૂપિયા 16.20 ઉપાડવા માટે કહેતા ઠગોએ વધુ રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. જેથી યુવકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો.
વડોદરાના આજવા રોડ ઉપર આવેલી સયાજીનગર સોસાયટીમાં રહેતા સાહીલ જગદીશચંદ્ર કહાર ગેંડા સર્કલ ખાતે આવેલી બજાજ ફાયનાન્સમા પર્સનલ લોન ડિપાર્ટમેંટ સેલ્સ એકઝિક્યુટીવ તરીકે નોકરી કરે છે. ગત 13 જુલાઈના રોજ ચંચલ ચક્રવર્તી ના સોશિયલ મીડિયા આઈડી પરથી યુવકને મેસેજ આવ્યો હતો. તમારે ઘર બેઠા કામ કરવુ છે જેથી યુવકે હા પાડયું હતું. ત્યારબાદ એક બીજી સોશિયલ મીડિયા આઈડી પર રોજે બે રાઉન્ડમાં ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના રહેશે. જેમા એક રાઉન્ડમાં તમારે 30 ઓર્ડર રીવ્યુ કરવાના રહેશે અને જે કરવાથી તમને કમીશન મળશે અને તમે રોજે રૂ.900 થી 2000 કમાઈ શકશો. જે બાદ તેઓએ એક લિંક મોકલી હતી અને તેના ઉપર રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતુ. જેથી લિંક ઉપર યુઝર આઈડી અને પાસવર્ડ ક્રીએટ કરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. તે લિંકમા તેમને રૂ.9898 બોનસ આપ્યુ હતુ. જે બાદ લિંકમા કેવી રીતે કામ કરવાનુ છે તે સમજાવ્યું હતું કે તમે ઓર્ડર ઉપ૨ સબમિટ કરતા તેમાં જેટલુ પણ કમિશન હોય તે વર્કિંગ એકાઉટમા એડ થઈ જશે અને તે રકમ તમે વિડ્રો કરી શકશો. જેથી યુવક ભેજાબાજ દ્વારા આપવામાં આવેલી લાલચમાં આવી ગયા હતા અને તેઓના કહ્યાં મુજબ 13 જુલાઈથી આજદિન સુધી અલગ અલગ ઓર્ડર માટે મોકલેલ ટાસ્ક કમ્પલીટ કરવાના બહાને સેલ્સ એક્ઝિક્યુટિવ પાસેથી ટુકડે ટુકડે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂ. 17.12 લાખ ભરાવડાવ્યા હતાં. તેમનો વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં રૂપિયા 52 હજાર પરત કર્યા હતા જ્યારે બાકીના 16.20 લાખ પરત નહિ કરીને છેતરપિંડી આચરવામા આવી હતી. જેથી સેલ્સ એજ્યુકેટીવ યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાકીના રૂપિયા તમારે ઉપાડવા હોય તો તમારે વધુ રૂપિયા દસ લાખ ભરવા પડશે તેમ કહેતા યુવકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અનુભવ થયો હતો અને તેઓએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો