સુરત સાઇબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી, અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલ ગેંગનો ખુલાસો
સુરત શહેરમાં વધતા સાઇબર ગુનાઓ વચ્ચે મોટી કાર્યવાહી કરતાં સાઇબર ક્રાઇમ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે આશરે ₹47 કરોડની ઠગાઈ કરનાર આંતરરાષ્ટ્રીય સાઇબર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ આ ગેંગ દેશના વિવિધ રાજ્યોમાં બેઠેલા સાથીદારો સાથે મળીને લોકો સાથે ઓનલાઇન ઠગાઈ કરતી હતી. આરોપીઓ મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને નકલી ઓળખ બનાવી લોકોને લોન, રોકાણ અને ઓનલાઇન સ્કીમોના બહાને ફસાવતા હતા. ત્યારબાદ તેમના પાસેથી મોટી રકમ પડાવી લેવામાં આવતી હતી.તપાસ દરમિયાન પોલીસે ડિજિટલ પુરાવા એકત્ર કર્યા હતા, જેમાં આશરે ₹18.50 લાખના ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ્સ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત અનેક બેંક એકાઉન્ટ, ATM કાર્ડ અને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, ગેંગના સભ્યો સતત નવા નંબર, એકાઉન્ટનો ઉપયોગ કરીને પોતાનું લોકેશન છુપાવતા હતા.
સુરત સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર ટ્રેકિંગ દ્વારા આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ઘણા મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે, જેમાં ગેંગના અન્ય સભ્યો અને તેમના કાર્ય કરવાની પદ્ધતિ અંગેની માહિતી સામેલ છે. આ ગેંગ દેશના અલગ-અલગ રાજ્યોમાં ₹16 કરોડથી વધુની ઠગાઈમાં સંડોવાયેલ હોવાની પણ માહિતી સામે આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થઈ શકે છે.
સાઇબર ક્રાઇમ પોલીસએ નાગરિકોને ચેતવણી આપી છે કે અજાણી કોલ, મેસેજ અથવા ઓનલાઇન સ્કીમ પર વિશ્વાસ ન કરે અને કોઈપણ વ્યક્તિગત અથવા બેંકિંગ માહિતી શેર કરતા પહેલા સાવચેત રહે. પોલીસ દ્વારા આ સમગ્ર કેસની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે અને ગેંગના બાકીના સભ્યોને ઝડપવા માટે તજવીજ તેજ કરવામાં આવી છે.