કેપ ટાઉન: દક્ષિણ આફ્રિકામાં (South Africa) ગુરુવારે ઇસ્ટરની (Easter) ઉજવણી માટે ઘણા લોકોને લઈ જતી બસ એક પહાડી પાસ પરના પુલ પરથી ખીણમાં (Valley) પડી ગઈ હતી. બ્રિજ પરથી પડી જતાં બસમાં (Bus) આગ લાગી હતી. જેના પરિણામે ઓછામાં ઓછા 45 લોકોના કરુણ મોત થયા હતા.
અહેવાલો અનુસાર આ બસ પડોશી દેશ બોત્સ્વાનાથી મોરિયા શહેર જઈ રહી હતી. દેશના ઉત્તરીય લિમ્પોપો પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં માત્ર 8 વર્ષની બાળકી બચી ગઇ હતી અને તેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે બાળકીને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે જ ખીણમાં પડેલી બસમાંથી બળી ગયેલા શવોને બહાર કાઢવાની કામગીરી પણ ચાલી રહી છે.
બળી ગયેલ શવોને ઓળખવા મુશ્કેલ
લિમ્પોપો પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે બસ મમતકાલા બ્રિજની નીચે 164 ફૂટ ખાડીમાં પડી હતી અને આગ લાગી હતી. પ્રાંતીય સરકારે કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે પરંતુ ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે અને તેઓ હજુ પણ બસમાં ફસાયેલા છે.
સત્તાવાળા લોકોએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે બસ પડોશી બોત્સ્વાનાથી મોરિયા શહેરમાં મુસાફરી કરી રહી હતી. જે એક લોકપ્રિય ઇસ્ટર તીર્થ સ્થળ છે. તેમજ તેમના મતે એવું લાગે છે કે બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને તેનું પણ આ દુર્ઘટનામાં મોત થયું.
ગયા વર્ષે 200 થી વધુ લોકોના મોત થયા હતા
સમગ્ર મામલે રાષ્ટ્રીય પરિવહન વિભાગે જણાવ્યું હતું કે પરિવહન પ્રધાન સિંદિસવે ચિકુંગા માર્ગ સલામતી અભિયાન માટે લિમ્પોપો પ્રાંતમાં હતા અને અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ચિકૂંગા પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
દક્ષિણ આફ્રિકાની સરકાર વારંવાર ઇસ્ટરની રજાઓ દરમિયાન માર્ગ અકસ્માતના જોખમ વિશે ચેતવણી આપે છે કારણ કે તે માર્ગ આ સમય ગાળઅ દરમિયાન મુસાફરી માટે વ્યસ્ત અને જોખમી છે. ગયા વર્ષે ઇસ્ટર સપ્તાહના અંતે 200 થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.