ગુરુવારે રામલીલાના કલાકારો પલળ્યા, આખરે શુક્રવારે ગ્રાઉન્ડમાંથી પાણી નિકાલ કરી ઉત્સાહભેર કાર્યક્રમ સંપન્ન કરાયો
વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ ગુરુવારે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. 45 વર્ષના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે રાવણ દહનનો કાર્યક્રમ દશેરાના બીજા દિવસે એટલે કે શુક્રવારે યોજાયો હોય.

ગુરૂવારના રોજ સાંજે 5:30 વાગ્યે રામલીલા શરૂ થવાની હતી. પરંતુ તે પહેલા જ વરસાદ પડતાં પોલો ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રામલીલામાં ભાગ લેવા માટે વેશભૂષા સાથે તૈયાર થઈને આવેલા લગભગ 150 જેટલા કલાકારો વરસાદમાં પલળી ગયા હતા. ટુ-વ્હીલર પર આવી રહેલા કલાકારોનો મેકઅપ પણ ધોવાઈ ગયો હતો. આખરે, રામલીલાના તમામ કલાકારોની ઈચ્છાને માન આપીને આયોજકોએ કાર્યક્રમ એક દિવસ માટે મોકૂફ રાખવાનો અને શુક્રવારે યોજવાનો નિર્ણય લીધો હતો.

સંઘના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાને પાતળા પ્લાસ્ટિકનું આવરણ કરવામાં આવ્યું હોવાથી પૂતળા વરસાદમાં ભીના થતા બચી ગયા હતા.

ગુરુવારે કાર્યક્રમ મોકૂફ રહ્યા બાદ શુક્રવારે વરસાદ પડશે તો માત્ર રાવણ દહન જ કરવામાં આવશે, તેવું આયોજકો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, શુક્રવાર સવારથી જ વાતાવરણ ચોખ્ખું દેખાતા તંત્ર અને આયોજકો કામે લાગ્યા હતા.
સવારથી જ પોલો ગ્રાઉન્ડ મેદાનમાંથી વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી. રાવણ દહન જોવા આવતા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે દિવસ દરમિયાન ખાસ પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાંજ સુધીમાં વાતાવરણ સ્વચ્છ થઈ જતાં લોકોએ હાશકારો લીધો હતો અને રામલીલા તેમજ રાવણ દહનની તૈયારીઓ ફરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી હતી.
આખરે, શુક્રવારે રામલીલાનો સમય થતા જ મોટી સંખ્યામાં લોકો પોલો ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થવા લાગ્યા હતા. રામલીલા બાદ રાવણ દહનનો કાર્યક્રમ પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. લોકોએ ભારે ઉત્સાહભેર રામલીલા તેમજ રાવણ દહનના કાર્યક્રમ નિહાળ્યો હતો અને કાર્યક્રમના અંત સુધી લોકોની મોટી ભીડ પોલો ગ્રાઉન્ડ ખાતે જોવા મળી હતી. આ વર્ષે 45 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાવણ દહન દશેરાના બીજે દિવસે કરવામાં આવ્યું હોય તેવો અનોખો બનાવ બન્યો હતો.