ડોક્ટરોના વ્યવસાયમાં પ્રવર્તમાન અનૈતિકતા બાબતમાં ઘણું લખાયું છે પણ તાજેતરમાં મુંબઇની મેડિએન્જલ્સ નામની બિનસરકારી સંસ્થા દ્વારા કરવામાં આવેલો સર્વે સૂચવે છે કે હોસ્પિટલોમાં જે ઓપરેશનો કરવામાં આવે છે, તેમાંના 44 % કા બિનજરૂરી હોય છે. આ સંસ્થાના ડૉક્ટરોએ જેમના ઉપર ઓપરેશનો થઇ ચૂક્યાં છે તેવા 20,000 દર્દીઓની ફાઇલો 2 વર્ષના સમયગાળામાં તપાસી હતી. તેમાં તેમને જણાયું હતું કે તેમાંથી માત્ર 44 % દર્દીઓને હકીકતમાં ઓપરેશનની જરૂર હતી. આજકાલ તબીબી શિક્ષણ મોંઘુંદાટ થઈ ગયું છે. સાડા પાંચ વર્ષના ભણતર પછી MBBSની ડિગ્રી મળે છે પણ તેની કિંમત ચણા-મમરા જેટલી પણ નથી. પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ડિગ્રી પાછળ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. આ ખર્ચો વસૂલ કરવા ડૉક્ટરો બિનજરૂરી ઓપરેશનો કરાવે છે.
આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે ડૉક્ટરો દ્વારા રૂપિયા કમાવાના લોભમાં બિનજરૂરી બાયપાસ સર્જરી કે ટોટલ હીપ રિપ્લેસમેન્ટ જેવી સર્જરીઓ કરી નાંખવામાં આવતી હોય છે. ઘણી ખાનગી હોસ્પિટલોમાં ડિલિવરી કરવા જતી મહિલાનું અચૂક સિઝેરિયન કરવામાં આવે છે. નવી મુંબઇની મેડિએન્જલ્સ સંસ્થાએ પહેલી વખત 20,000 દર્દીઓનો સર્વે કરી તેના આંકડાઓ જાહેર કર્યા છે. આ સર્વે મુજબ જે 100 દર્દીઓને તબીબો દ્વારા હૃદયની સર્જરી કરાવવાની અથવા સ્ટેન્ટ મુકાવવાની સલાહ આપવામાં આવી હતી, તેમાંના 55ને હકીકતમાં તેની જરૂર નહોતી. તેવી જ રીતે જે 100 મહિલાઓને તેમનું ગર્ભાશય કાઢી નાંખવાની સલાહ આપવામાં આવી હતી તેમાંના 48ને તેની તેમને જરૂર નહોતી.
જે 100 લોકોને વાંઝિયાપણાની સારવાર આપવામાં આવી હતી, તેમાંના 45ને તેની જરૂર નહોતી. 48 % લોકોને જરૂર નહોતી તો પણ ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. કાંદિવલીમાં રહેતા ગૌરવ શર્માના કાકાને લોકલ ડૉક્ટર દ્વારા કાર્ડિયાક સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે સેકન્ડ ઓપિનિયન માટે મેડિએન્જલ્સની ઓનલાઇન સેવાનો લાભ લીધો. તેમાં દિલ્હીના એક કાર્ડિયાક સર્જને તેમનો ECG જોયો અને કહ્યું કે તેમને માત્ર હાડકાની તકલીફ છે અને હાર્ટની સર્જરીની બિલકુલ જરૂર નથી. ડૉક્ટરે નિદાન કર્યું કે તેમના ખભા અને હાથના હાડકાં લાઇનમાં ગોઠવાયા ન હોવાથી છાતીનો દુખાવો રહે છે. તેમણે અમેરિકાના એક નિષ્ણાત તબીબનો અભિપ્રાય લીધો. તેમણે બતાવેલી ખભાની કસરતથી દુખાવો ગાયબ થઇ ગયો.
મેડિક્લેમને કારણે પણ ડૉક્ટરો વધુ રૂપિયા રળવા બિનજરૂરી સર્જરીઓ કરતા થયા છે અને દર્દીઓ જાણતાં હોવા છતાં પણ મફતમાં સર્જરી થતી હોવાથી તેનો વિરોધ કરતા નથી. થોડા સમય પહેલાં આંધ્ર પ્રદેશમાં મેડિક્લેમનો લાભ લેવા ચાલતું ગર્ભાશયની સર્જરીનું કૌભાંડ બહાર આવ્યું હતું. આજની સિસ્ટમમાં ડૉક્ટરો હોસ્પિટલનાં વેઠિયા મજૂરો જેવા હોય છે. તેઓ દૈનિક ધોરણે હોસ્પિટલોને જેટલી કમાણી કરાવે તેમાં તેમને કમિશન મળે છે. તેને કારણે હોસ્પિટલ સાથે સંકળાયેલા ડૉક્ટરો પોતાના દર્દીઓને બિનજરૂરી ઓપરેશનો કરવાની સલાહ આપીને કમિશન રળી લેતા હોય છે.
અમેરિકામાં થયેલા સર્વે સૂચવે છે કે ત્યાં જેટલા દર્દીઓને હાર્ટમાં સ્ટેન્ટ મૂકવાની સલાહ આપવામાં આવે છે, તેમાંના 50 % ને હકીકતમાં તેની જરૂર જ હોતી નથી. સ્ટેન્ટ બનાવતી કંપનીઓ ડાયરેક્ટ ડૉક્ટરોને પકડે છે અને તેમને તગડું કમિશન આપે છે. દર્દી પાસેથી જે સ્ટેન્ટની 50 હજારથી લાખ રૂપિયા જેવી કિંમત વસૂલ કરવામાં આવે છે તે હકીકતમાં 5 હજાર રૂપિયામાં મળતો હોય છે. બ્રિટનમાં કોઇ પણ હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન કરવાનું હોય તો તેના માટે બોર્ડ બેસાડવામાં આવે છે, જેમાં તમામ ક્ષેત્રોના નિષ્ણાતો હોય છે. આ બોર્ડ દ્વારા સર્વાનુમતે ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવે તો જ સર્જરી કરવામાં આવે છે. ભારતમાં પણ આ પદ્ધતિ શરૂ કરવાની જરૂર છે.
અમેરિકામાં રહેતાં ભારતીય મૂળના તબીબ ડૉ. સંદીપ જૌહરે ‘ડોક્ટર્ડ : ધ ડિસઇલ્યુઝનમેન્ટ ઓફ એન અમેરિકન ફિઝિશ્યન’નામનું પુસ્તક લખ્યું છે, જેમાં અમેરિકાના તબીબો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ પર વેધક પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ડૉ. સંદીપ જૌહરે બતાવ્યું છે કે અમેરિકાના ડૉક્ટરો હૃદયવિહોણા બની ગયા છે. તેઓ દર્દીઓ પાસેથી ડોલર પડાવવા તેમને ખોટાં પરીક્ષણો કરાવવાનું કહે છે, જરૂર કરતાં વધુ દિવસ હોસ્પિટલમાં રાખે છે, બિનજરૂરી સર્જરી કરાવવાની સલાહ આપે છે અને દવા કંપનીઓના દલાલ બનીને તેમને લૂંટે છે.
ડૉ. જૌહરના કહેવા મુજબ અમેરિકાના ડૉક્ટરો દર્દીને માણસ નથી ગણતા પણ ડોલર કમાવાનું મશીન ગણે છે. અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 1 લાખ ડૉક્ટરો વસે છે. તેમાંના 20,000નો તો જન્મ પણ અમેરિકામાં થયો છે અને તેઓ અમેરિકામાં રહીને જ ડૉક્ટરીનું ભણ્યા છે. તેઓ પણ લોભમાં પડી ગયા છે. આજે જે મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલો ઊભી થઇ રહી છે તેનો ધંધો પણ વધુ દર્દીઓને ભરતી કરી વધુ કમાણી કરવાનો હોય છે.
તેઓ MBA થયેલાં માર્કેટિંગ મેનેજરોને પોતાને ત્યાં નોકરીમાં રાખે છે. તેઓ સલાહ આપે છે કે હોટેલની જેમ હોસ્પિટલનો ઓક્યુપન્સી રેટ વધારવો જોઇએ, જેથી નફાનું પ્રમાણ વધે. ફાર્મા કંપનીઓ ભારતના ડૉક્ટરોને અમેરિકાની મફતિયા ટ્રિપો કરાવીને તેમને પણ અમેરિકા જવા લલચાવે છે. ડૉ. જૌહર કહે છે કે અમેરિકાના ડૉક્ટરો પર કમાણી વધારવાનું પ્રેશર એટલું વધી ગયું છે કે જો ચાન્સ મળે તો 30 થી 40 % ડૉક્ટરો તેમનો ધંધો છોડી દેવા માગે છે. જે માબાપો પોતાનાં બાળકોને ડૉક્ટર બનાવવા માગે છે તેમણે આ પુસ્તક ખાસ વાંચવા જેવું છે.