Vadodara

44 દાવેદારો સિવાયનું નવું નામ પણ પ્રમુખ તરીકે આવી શકે: ચુડાસમાએ ઊભું કર્યું સસ્પેન્સ

જૂથવાદ વચ્ચે સંકલન બેઠક પૂર્ણ, નવી આગેવાનીની શક્યતા

સંકલનના સભ્યોએ વ્યક્તિગત રીતે અલગ કેબિનમાં પોતાના સૂચનો રજૂ કર્યા

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરના પ્રમુખ પદને લઈને અલગ અલગ ચર્ચાઓ અને અલગ અલગ જૂથવાદ વચ્ચે હવે પ્રમુખ પદના ચયનને લઈને પ્રક્રિયા તેજ બની છે. રવિવારે સાંજના પાંચ કલાકે ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને શહેર બીજેપીના સંકલન સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. જેમની સાથે પ્રદેશના બંને ચુંટણી અધિકારીઓ સંજય દેસાઈ અને કુશલસિંહ પઢેરીયા પણ હાજર રહ્યા હતા. સંકલન બેઠકમાં શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ, મેયર અને પૂર્વ સાંસદ હાજર રહ્યા હતા. જોકે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દાવેદારી કરનાર 44 લોકો સિવાયનું કોઈ નવું નામ પણ પ્રમુખ તરીકે જાહેર થઈ શકે છે, એવું કહીને પ્રમુખપદે કોણ આવશે એ અંગે સસ્પેન્સ ઊભું કરી દીધું હતું.

શહેર બીજેપી પ્રમુખ બનવા માટે છેલ્લા ઘણા સમયથી નેતાઓનો જૂથવાદ ચરમસીમાએ હતો. જેમાં ગતરોજ જ્યારે સેન્સ પ્રક્રિયા યોજાઈ એ દરમિયાન પણ શહેર બીજેપીનો જૂથવાદ સપાટી પર આવ્યો હતો. પાર્ટીના જ બે સિનિયર નેતાઓ જાહેરમાં બાખડી પડયા હતા. મીડિયાની હાજરીમાં જ બાખડી પડતા પ્રદેશ નેતૃત્વએ પણ મામલાની ગંભીર નોંધ લીધી હતી. ત્યારે આજે યોજાયેલ સંકલન બેઠકમાં તમામ ધારાસભ્યો, સાંસદ, મેયર અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહ્યા હતા.

સંકલન બેઠકમાં તમામ સભ્યોએ એક સૂરમાં ચુંટણી અધિકારીઓ સમક્ષ અલગથી વાત કરવા માટે પોતાનો મત રજૂ કર્યો હતો. જે બાદ ચુંટણી અધિકારીઓએ પણ તેમની વાત માની તમામ સભ્યો સાથે એક પછી એક એમ તમામ સાથે ચર્ચા કરી તેમના મત જાણ્યા હતા. પરંતુ જ્યારે ત્રણ ધરસભ્યો અલગથી ફરી મળવા જતા અનેક તર્ક વિતર્ક સર્જાય હતા. ઉલ્લેખનીય છે કે, શહેર બીજેપીમાં છેલ્લા ઘણા સમયથી પ્રમુખ પદ માટે ત્રણ જૂથ સક્રિય થયા હતા ત્યારે આજની બેઠકમાં એક ધારાસભ્યએ છોડીને બાકીના તમામ ધારાસભ્યોએ એક જ સૂરમાં એક નામ પર ચર્ચા કરી હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સંકલન બેઠક પૂર્ણ થયા બાદ ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, હાલ પ્રદેશ સંગઠન પર્વ ચાલી રહ્યું છે જેનો આ અંતિમ તબક્કો છે. આજે વડોદરા શહેર બીજેપીના સંકલન સભ્યો સાથે પ્રમુખના ચયન મામલે ચર્ચા કરી અને તેમના શું મત છે તે જાણ્યા છે. વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળી તેમના મત જાણ્યા છે. તમામ સભ્યોના વિચારો અને સૂચનો અમે લીધા છે . આવતીકાલે કેન્દ્રની ટીમ સમક્ષ અહીંથી જે પણ કંઈ રજૂઆતો મળી છે તે એમના સમખ અમે રાખીશું. એ બાદ પાર્ટી જે નિર્ણય કરશે એ નામ અમે જાહેર કરીશું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જે લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે તેમના સિવાય પણ કોઈ નામ જાહેર થાય તો તે પાર્ટીનો નિર્ણય રહશે.

શહેર બીજેપીના પ્રમુખ પદના ચયનને લઈને પુનરાવર્તન અને પરિવર્તન માટે ત્રણ જૂથ આજે પણ સક્રિય છે ત્યારે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેર બીજેપીને કોઈ નવા જ પ્રમુખ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, બીજેપીમાં અવાર નવાર નવા ચહેરાઓને તક મળતી રહેતી હોય છે ત્યારે વડોદરા શહેર બીજેપીને પણ નવો ચહેરો મળે તો નવાઈ નહી.

સંકલનમાં હાજર રહેલા સભ્યો
સાંસદ હેમાંગ જોશી
ધારાસભ્ય કેયુર રોકડીયા
ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ
ધારાસભ્ય મનીષા વકીલ
ધારાસભ્ય યોગેશ પટેલ
મેયર પિન્કી સોની
પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ

Most Popular

To Top