Vadodara

વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિ સમક્ષ 10 કામોની દરખાસ્ત રજૂ

આગામી 28 માર્ચે પાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાશે

ભાઉ તાંબેકરવાળાને ‘ગુજરાત પેઇન્ટીંગ મ્યુઝિયમ’ તરીકે વિકસાવવા રૂ. 4.22 કરોડની દરખાસ્ત

મહાનગરપાલિકાની આગામી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને સુવિધાઓમાં સુધારો લાવવા માટે કુલ 10 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તોમાં ડ્રેનેજ, રોડ, શહેરી સુશોભન, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોલાર એનર્જી પ્રોજેક્ટ્સ જેવા મહત્વના મુદ્દાઓ સામેલ છે. શહેરમાં બરોડા ડેરીના પાર્લરો માટે ફાળવેલી ત્રણ જગ્યાઓ માટે લીઝ મુદત વધારવા અને પરવાના ફી નક્કી કરવા બાબતે નિર્ણય આગામી સ્થાયીની બેઠકમાં લેવાશે. વોર્ડ 9માં લક્ષ્મીપુરા સરકારી શાળાની નજીક વરસાદી ગટર બાંધકામ માટે રૂ. 30.06 લાખના ટેન્ડરને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું છે.

વોર્ડ 8માં ગોરવા ગામથી સત્યનારાયણ સોસાયટી સુધી ડ્રેનેજ લાઇન નાખવા માટે M/S Unity Infraના રૂ. 22.86 લાખના ટેન્ડરને મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત, ઉત્તર ઝોનમાં મુખ્ય રસ્તાઓ પરના ડિવાઇડર અને ફૂટપાથ માટે રૂ. 50 લાખની નાણાકીય મર્યાદા સાથે વ્હાઇટવોશ અને પેઇન્ટિંગનું કામ મંજુર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. વડોદરાના ભાઉ તાંબેકરવાળાને ‘ગુજરાત પેઇન્ટીંગ મ્યુઝિયમ’ તરીકે વિકસાવવા માટે H.K. Ramaniના રૂ. 4.22 કરોડના ટેન્ડરને મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, સેવાસી-શેરખી વચ્ચે ડ્રેનેજ લાઇન માટે રૂ. 29.32 કરોડના ટેન્ડર મંજૂર કરવાનું પણ નિર્ણય લેવાશે.

શહેરમાં સુશેન પંપિંગ સ્ટેશન નજીકની મુખ્ય ડ્રેનેજ નળીકાના સમારકામ માટે રૂ. 5.49 લાખ અને મહાનગરપાલિકાના વિવિધ ખાતાઓ માટે રૂ. 1.51 કરોડના નવા કમ્પ્યુટર્સ અને પ્રિન્ટર્સ ખરીદવાની દરખાસ્ત પર પણ બેઠકમાં ચર્ચા થશે. ફતેગંજ અને હરીનગર ફ્લાયઓવર બ્રિજ નીચે રમતગમત, પાર્ક, વડીલ વિસામો, મહિલાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ ક્લાસ અને પાર્કિંગ જેવી સુવિધાઓ વિકસાવવાની યોજના પર ચર્ચા થશે. છેલ્લે, 8 પાલિકાઓ માટે 250MW સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે GUDCL સાથે મળીને પ્રોજેક્ટ અમલ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

Most Popular

To Top