Gujarat

રાજકોટમાં 42 ડિગ્રી, રાજ્યનું તાપમાન હજી વધશે

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આક્રમક રીતે વધી રહ્યો છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ, રાજ્યમાં અત્યારે રાજકોટ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ કે તેથી વધુ નોંધાતા બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અન્ય શહેરોની સ્થિતિ જોઈએ તો, કંડલા એરપોર્ટ, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ સિવાય ભુજ, વલ્લભ વિદ્યાનગર અને સુરતમાં 39 ડિગ્રી, જ્યારે ભાવનગર, ડીસા અને દમણમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે પોરબંદર અને કંડલા પોર્ટ પર પારો 37 ડિગ્રી રહ્યો છે.

હવામાન વિભાગ મુજબ મધ્ય સ્તરના ઉપઉષ્ણકટિબંધીય પશ્ચિમી પવનોમાં 5.8 કિમી ઊંચાઈએ 76° પૂર્વ રેખાંશ અને 32° ઉત્તર અક્ષાંશ નજીક પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) ટ્રફ સ્વરૂપે સક્રિય છે. આ પરિસ્થિતિના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઉત્તર ભારતમાં પવનોની દિશા બદલાઈ રહી છે, જેના પગલે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. આ સાથે જ 12 થી 18 એપ્રિલ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાને કારણે લોકોએ ભારે બફારો અને અકળામણ (Discomfort conditions) સહન કરવી પડશે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં થોડો ઘટાડો નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે નોંધાઈ રહ્યું છે, જે આગામી બે દિવસમાં હજુ પણ વધશે તેવી શક્યતાને જોતા નાગરિકોને બપોરના સમયે સાવચેતી રાખવા અને તડકાથી બચવા સલાહ આપવામાં આવી છે.રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમાં ખાસ ફેરફાર નોંધાયો નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય સ્તરે રહ્યું છે.

Most Popular

To Top