ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભણેલા એક બેરોજગાર શખ્સે પોતાના મા-બાપ પર તેના જીવન નિભાવ માટેના પૈસાની માગ કરતા કેસ દાખલ કર્યો છે. 41 વર્ષના ફૈઝ સિદ્દીકી લાંબા સમયથી બેરોજગાર છે. તેનો દાવો છે કે તે પૂરી રીતે તેના અમીર મા-બાપ પર નિર્ભર છે.
ફૈઝે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી લીધે છે. તેણે પોતાના મા-બાપ પર કેસ કરતાં માગ કરી છે કે તેઓ તેને જીવન ભર નિભાવ ખર્ચ આપતાં રહે. ફૈઝના માતા-પિતા હાલ દુબઇમાં રહે છે. લંડમાં તેમના ફ્લેટમાં ફૈઝ રહે છે. 20 વર્ષથી ફૈઝ આ ફ્લેટમાં ભાડું આપ્યા વિના રહે છે. આ ફ્લેટની કિંમત 1 મિલિયન પાઉન્ડ હોવાનું માનવામાં આવે છે.
ફૈઝના માતાની ઉંમર 69 અને પિતાની ઉંમર 71 વર્ષ છે. હાલ તેઓ ફૈઝને 400 પાઉન્ડ એટલે કે 40 હજાર રૂ. એક મહિનાના ખર્ચ પેટે આપે છે. ફૈઝ પોતાના માતા-પિતા પાસેથી દર મહિને લગભગ દોઢ લાખ રૂ. લે છે. ફૈઝને રોકડ આપવા ઉપરાંત તેના તમામ બિલ પણ માતા-પિતા જ ભરે છે. જો કે, થોડા દિવસથી પરસ્પર તણાવ અને ઝગડાને લીધે માતા-પિતાએ પૈસા આપવાનો ઇનકાર કરવાથી ફૈઝે હવે તેમની પર કેસ ઠોકી દીધો છે.
ફૈજના માતાપિતાના વકીલ જસ્ટિન વર્ષાએ જણાવ્યું હતું કે તે લાંબા સમયથી તેમના પુત્રને આર્થિક સહાય પૂરી પાડે છે, પરંતુ હવે તે આવું કરવા માગતા નથી. ફૈઝ અગાઉ પણ પૈસાની માગ માટે દાવાઓ કરી ચૂક્યો છે. 2018 માં, તેણે તેની પોતાની ઓક્સફોર્ડ યુનિવર્સિટી સામે કેસ કર્યો અને 1 મિલિયન પાઉન્ડની માગ કરી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણતરનું ધોરણ સારું નથી જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડ્યું હતું.