Columns

યારોં કા યાર – એલન મસ્ક! 4 વર્ષ પહેલાં ઇન્ડિયન દોસ્ત સાથે આવી રીતે થઈ દોસ્તી

સોશ્યલ મીડિયા પર વિશ્વના પ્રખ્યાત લોકો સાથે કનેક્ટ થવું આમ તો હવે સામાન્ય છે પરંતુ આ દોસ્તી જરા અનોખી છે! વિચાર કરો કે કોઈ મોટી સેલિબ્રિટી કે બિઝનેસમેન સોશ્યલ મીડિયા દ્વારા તમારો મિત્ર બની જાય! અને એ પણ વિશ્વનો સૌથી ધનાઢ્ય હોય તો? પૂણે સ્થિત એક એન્જિનિયરે ટવીટર દ્વારા વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક એલન મસ્ક સાથે મિત્રતા કરી છે. આ મિત્રતા લગભગ 4 વર્ષ જૂની છે અને હવે બંને રૂબરૂ મળ્યા પણ છે. વર્ષ 2018માં પ્રણય પથોલે અને મસ્કે એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. બંને ટવીટર દ્વારા સતત એકબીજાના સંપર્કમાં હતા. ટવીટર પરના મેસેજમાં જ બંનેની વાત થઈ હતી.

મિત્રતા કેવી રીતે થઈ જાણો છો? આ મિત્રતા 2018માં એક ટવીટ દ્વારા શરૂ થઈ હતી. પ્રણયનું ટવીટ ટેસ્લા વાહનની સમસ્યા વિશે હતું. ટેસ્લા યુઝરની સમસ્યાને શેર કરતા પ્રણયે લખ્યું હતું કે – વાઇપરના ઓટોમેટિક સેટિંગને કારણે દરવાજો ખોલતા જ વરસાદમાં વિન્ડશિલ્ડનું પાણી કારમાં જાય છે. પ્રણયે એલન મસ્કને ટેગ કરીને લખ્યું – આશા છે કે આગામી અપડેટમાં આ ઠીક થઈ જશે.

પ્રણયને ખબર ન હતી કે તેને ટેસ્લાના CEOઓનો જવાબ મળશે. એલન મસ્કે લગભગ 20 મિનિટની અંદર પ્રણયના ટવીટનો જવાબ આપ્યો – આગામી રિલીઝમાં ફિક્સડ થઈ જશે. મસ્કે પ્રણયના પ્રતિસાદને માત્ર સકારાત્મક રીતે જ લીધો ન હતો, પરંતુ પ્રણયને જવાબ આપીને અપડેટ પણ આપી હતી. પ્રણયે મસ્ક સાથેની તસવીર શેર કરી છે. મસ્કને મળ્યા બાદ પ્રણયે ટવીટ કરીને લખ્યું છે – ગીગાફેક્ટરી ટેક્સાસ ખાતે મસ્ક સાથેની મુલાકાત ખૂબ જ સારી હતી. આવી નેકદિલ અને જમીન સાથે જોડાયેલી વ્યક્તિ જોઈ નથી. તમે લાખો લોકો માટે પ્રેરણા છો.

બંને વચ્ચે આ મુલાકાત શેના વિશે હતી, તે હજુ સ્પષ્ટ થયું નથી. બંને સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. લોકો પ્રણયને અભિનંદન આપી રહ્યા છે. 24 વર્ષીય પ્રણય પથોલે તાતા કન્સલ્ટન્સી સર્વિસીસમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરે છે. પ્રણય બિઝનેસ એનાલિટિક્સમાં MSની ડિગ્રી ધરાવે છે. ટવીટર પર તેના લગભગ 2 લાખ ફોલોઅર્સ છે. પ્રણયની પ્રોફાઇલ મુજબ, તે મશીન લર્નિંગ એન્જિનિયર છે. ટવીટર પર તે અવકાશ અને રોકેટ વિશે લખતો રહે છે. ટેસ્લાના CEO મસ્ક અંગે પ્રણયે કહ્યું હતું – તે સુપર ફ્રેન્ડલી અને ખૂબ જ નમ્ર છે. તેને પોતાના સ્ટેટસ વિશે કોઈ અભિમાન નથી. મસ્ક ટવીટર પર ખૂબ જ એક્ટિવ છે. જ્યારે પણ તે તેમને મેસેજ કરે છે ત્યારે તેને થોડી વારમાં જવાબ મળે છે. તેની સાથે વાતચીત કરીને એવું નથી લાગતું કે તમે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો.

થોડા સમય પહેલાં કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે પ્રણયનું એકાઉન્ટ એલન મસ્ક હેન્ડલ કરે છે. બંને વચ્ચેની મિત્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મસ્કે પોતે ટવીટ કરીને આ વાતને નકારી કાઢી હતી અને મજાકમાં કહ્યું હતું કે મારું માત્ર એક સિક્રેટ ઇન્સ્ટા એકાઉન્ટ છે. મસ્ક તેની પોસ્ટ પર પ્રણયની કોમેન્ટનો નિયમિત જવાબ આપે છે. એક ઈન્ટરવ્યૂમાં પ્રણયે જણાવ્યું હતું કે, જ્યારે મસ્કે તેની સાથે પહેલી વાર વાતચીત કરી હતી ત્યારે તે તેના જીવનની ખાસ વાત હતી. હવે મસ્ક સાથે વાતચીત કરવી તેના માટે એકદમ સામાન્ય છે.

Most Popular

To Top