National

હરિયાણાના કરનાલમાં 4 આતંકવાદીઓની ધરપકડ, દેશમાં મોટી તબાહી કરવાનો હતો પ્લાન

કરનાલ(Carnal): દેશને હચમચાવી નાખવાના ખાલિસ્તાની(Khalistani) ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. હરિયાણા(Haryana)ના કરનાલમાં આતંકવાદ(Terrorism) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કરનાલમાંથી ચાર શંકાસ્પદ આતંકવાદી(Terrorist)ઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં ગોળીઓ અને ગનપાઉડર(Gunpowder)ના કન્ટેનર મળી આવ્યા છે. આ ગનપાઉડર આરડીએક્સ(RDX) હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમની પાસેથી ત્રણ IED બોમ્બ પણ મળી આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કરનાલના બસ્તરા ટોલ પાસેથી પોલીસ ટીમે એક ઇનોવા કારને ઝડપી પાડી હતી અને ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. હાલ આ કાર મધુબન પોલીસ સ્ટેશનમાં પાર્ક છે. ત્યાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે. સવારે 4 વાગે દિલ્હી જવા રવાના થયેલા વરિષ્ઠ અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. ત્યારપછી બાતમીના આધારે કરનાલ ટોલ પ્લાઝા પાસે પોલીસ બેરિકેડિંગ લગાવવામાં આવ્યું હતું. ત્યાં તેઓ પકડાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ લોકો મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.

રોબોટની મદદથી શંકાસ્પદ લોકોના વાહનની તપાસ
મળતી માહિતી મુજબ, આ ચારેયનો સંબંધ પંજાબ સ્થિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે છે. તેમને પકડવા માટે IB પંજાબ પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રોબોટની મદદથી શંકાસ્પદ લોકોના વાહનની તપાસ કરવામાં આવી હતી કારણ કે તેમાં વધુ વિસ્ફોટક હોવાની શક્યતા છે. તેમની પાસે એટલી બધી ગોળીઓ અને ગનપાઉડર છે કે આ લોકો ઘણી જગ્યાએ મોટા ગુના કરી શક્યા હોત.

ડ્રોન મારફતે પાકિસ્તાનથી હથિયારો આવ્યા હતા
કરનાલના પોલીસ અધિકારી ગંગા રામ પુનિયાએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા યુવકોના નામ ગુરપ્રીત, અમનદીપ, પરમિંદર, ભૂપિન્દર છે. ખાલિસ્તાની આતંકવાદી રિંડાએ આ હથિયારો પાકિસ્તાનથી ડ્રોન મારફતે ફિરોઝપુર મોકલ્યા હતા. જેમાંથી ત્રણ ફિરોઝપુરના અને એક લુધિયાણાના રહેવાસી છે. મુખ્ય આરોપી, તે જેલમાં અન્ય આતંકવાદીને મળ્યો હતો. હાલ તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, 31 જીવતા અને 3 લોખંડના ડબ્બા મળી આવ્યા હતા. આમાં, દરેક કન્ટેનરનું વજન લગભગ 2.5 કિલો છે.

રિંડા પાકિસ્તાનમાં છુપાયેલો છે
શકમંદો મહારાષ્ટ્રના નાંદેડ જઈ રહ્યા હતા. ચારેયને તેલંગાણામાં IED મોકલવાના હતા. જ્યાં માલ પહોંચવાનો હતો તે લોકેશન તેમને પાકિસ્તાનથી મળ્યું હતું. આ લોકો અગાઉ પણ બે જગ્યાએ IED સપ્લાય કરી ચૂક્યા છે. પકડાયેલા ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ઉંમર 20-25 વર્ષની આસપાસ છે. આ લોકો હરવિંદર સિંહ ઉર્ફે રિંડાના સંબંધી હોવાનું કહેવાય છે.

રિંડા કોણ છે?
હરવિંદર સિંહ ઉર્ફે રિંડા પંજાબના તરનતારનનો રહેવાસી છે. 11 વર્ષની ઉંમરે, તેઓ તેમના પરિવાર સાથે મહારાષ્ટ્રના નાંદેડમાં શિફ્ટ થયા. ત્યારપછી 18 વર્ષની ઉંમરે તેણે પહેલા કૌટુંબિક વિવાદમાં તેના એક સંબંધીની હત્યા કરી હતી. પછી તેણે નાંદેડમાં રિકવરી વર્ક કરવાનું શરૂ કર્યું અને આ દરમિયાન તેણે બે લોકોની હત્યા કરી નાખી. રિંડા એક વોન્ટેડ આતંકવાદી છે જે હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો છે. એવું માનવામાં આવે છે કે આ ચારેયને આ કન્સાઇનમેન્ટ ક્યાંક છોડી દેવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

હરિયાણાના મુખ્યમંત્રીનું નિવેદન
ધરપકડ કરાયેલા ચાર આતંકવાદીઓ વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. UAPAની કલમ 17-18-20 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આર્મ્સ એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. આ અંગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે અમને પંજાબથી માહિતી મળી હતી. તેના આધારે અમે ગાડી પકડી છે, જેમાં હથિયારો મળી આવ્યા છે અને કેટલાક લોકો પણ ઝડપાયા છે, તેમનો હેતુ તપાસ બાદ જ જાણી શકાશે. હાલમાં માહિતી મળી રહી છે કે આ હરિયાણાની ઘટના નહોતી, તેઓ હરિયાણા પાર કરી રહ્યા હતા.

Most Popular

To Top