National

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ: 4ના મોત, 1 ઈજાગ્રસ્ત

દક્ષિણ દિલ્હીના તિગડી એક્સટેન્શન વિસ્તારમાં ગત રોજ શનિવારે સાંજે ચાર માળના એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. સૂત્રો અનુસાર આ ઘટનાએ ચાર લોકોના જીવ લઈ લીધા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો છે. આગ એટલી ઝડપી ફેલાઈ કે થોડા જ મિનિટોમાં આખું મકાન તેની લપેટમાં આવી ગયું હતું.

કેવી રીતે લાગી આગ?

પ્રાથમિક માહિતી અનુસાર ગઈ કાલે તા. 29 શનિવારે સાંજે લગભગ 6:15 વાગ્યે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બુટની દુકાનમાંથી આગની શરૂઆત થઈ હતી. દુકાનમાં રહેલા જ્વલનશીલ સામગ્રીને કારણે આગ વિકરાળ બની ગઈ અને થોડાજ સમયમાં ઉપરના ત્રણેય માળોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ કારણે અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો સમય મળ્યો નહીં.

ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહી
દિલ્હી ફાયર સર્વિસને 6:27 વાગ્યે કોલ મળતાંજ 4 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી અને બિલ્ડિંગની અંદરથી બે લોકોને બચાવીને હોસ્પિટલમાં મોકલ્યા. આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે લાંબી મહેનત કરવી પડી.

ત્રણ મૃતદેહ અંદરથી મળી આવ્યા
આગ ઓલવતા પછી ચલાવવામાં આવેલી સર્ચ ઓપરેશન દરમિયાન મકાનની અંદરથી ત્રણ મૃતદેહો મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે કુલ ચાર લોકોના મોત થયા છે જોકે ઇરજાગ્રસ્ત એક વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાંથી એકની ઓળખ મકાનના માલિક સતેન્દર ઉર્ફે જીમી (38) તરીકે થઈ છે.

આગના કારણોની તપાસ શરૂ
આગ લાગવાનું સાચું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાને ગંભીરતાથી લેતા ક્રાઈમ બ્રાંચ અને ફોરેન્સિક ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી છે. ટીમો દ્વારા સેમ્પલ કલેક્શન અને ટેકનિકલ તપાસના આધારે આગનું ચોક્કસ કારણ જાણી શકાય તેવી શક્યતા છે.

સ્થાનિક વિસ્તારમાં આ ઘટનાને લઈને હાહાકાર મચી ગયો છે અને લોકોમાં ભયનો માહોલ છવાયો છે. અધિકારીઓ દ્વારા લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top