National

ઝારખંડમાં પોલીસ સાથે અથડામણમાં એક મહિલા સહિત 4 માઓવાદી ઠાર, 2ની અટકાયત

નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં આજે સોમવારે સવારે પોલીસ સાથે કેટલાક માઓવાદીઓની (Maoists) અથડામણ થઇ હતી. જેમાં એક મહિલા સહિત ચાર માઓવાદીઓને ઝારખંડ પોલીસે ઠાર માર્યા હતા. ત્યારે પોલીસ અધિકારીઓએ (police officer) આખા બનાવની માહિતી આપી હતી. તેમજ કહ્યું હતું કે આ એન્કાઉન્ટર (Encounter) ટોંટો અને ગોઈલકેરા વિસ્તારમાં થઈ હતી.

સમગ્ર મામલે ઝારખંડ પોલીસના પ્રવક્તા અને ઇન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) અમોલ વી હોમકરે જણાવ્યું હતું કે, “સોમવારે સવારે થયેલી અથડામણમાં એક મહિલા સહિત ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા, જેમાં બે માર્યા ગયેલા માઓવાદીઓમાં એક ઝોનલ કમાન્ડર, એક સબ-ઝોનલ કમાન્ડર અને એક એરિયા કમાન્ડર હતા.” આ દરમિયાન ચાઈબાસામાંથી બે માઓવાદીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમજ ધરપકડ કરાયેલા લોકોમાં એક એરિયા કમાન્ડર પણ સામેલ છે.

આ સાથે જ ઝારખંડ પોલીસે અલગ-અલગ કેલિબરની રાઈફલો પણ જપ્ત કરી હતી. હાલના દિવસોમાં ભારતીય સુરક્ષા દળો સતત આતંકવાદીઓ અને નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્યારે જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢમાં ઘણા નક્સલવાદીઓ અને આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

છત્તીસગઢમાં 8 નક્સલવાદીઓ માર્યા ગયા
અગાઉ છત્તીસગઢના નારાયણપુર વિસ્તારના અબુઝહમદમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 8 નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને સેનાનો એક જવાન પણ ફરજમાં શહીદ થયો હતો. તેમજ બે જવાનો ઘાયલ થયા હતા. આ ઓપરેશનમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ની 53મી બટાલિયન ચાર જિલ્લામાંથી નક્સલવાદીઓ વિરુદ્ધ તૈનાત છે.

આ ઓપરેશન 12 જૂને શરૂ કરવામાં આવ્યું હતું. પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) કંપની નંબર 6 પર સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલું આ ઓપરેશન સૌથી મોટી સર્જીકલ સ્ટ્રાઇક હતી, જેમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા નક્સલવાદીઓ પર કુલ 38 લાખ રૂપિયાનું ઈનામ પણ હતું.

જમ્મુ-કાશ્મીરમાં પણ એક આતંકવાદી ઠાર
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના અરગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદીને ભારતીય સેના દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. સેના અને આતંકવાદીઓના બંને તરફના ફાયરિંગ બાદ 2 આતંકીઓ જંગલ તરફ ભાગી ગયા હતા. ત્યારે કેટલાક કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા આતંકીને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top