વિશ્વામિત્રી નદી માટે બનેલા એક્શન પ્લાન મુજબ 4.91 કરોડના ખર્ચે Geotextile Coir Woven ટેક્નિકનો અમલ કરવાનો એટલે કે એક ખાસ પ્રકારના ઘાસ નદીના કાંઠાઓ પર લગાડવાનો નિર્ણય લેવાયો હતો. પ્રથમ તબક્કામાં 1,35,000 ચો.મી વિસ્તારમાં એટલે કે 0.135 સ્ક્વેર કિલોમીટર માં Geotextile Coir Woven સ્થાપિત કરવાનું આયોજન પૂર્ણતાના આરે છે. આ ઘાસ વિશ્વામિત્રી નદીના બંને કાંઠે જેમ જરૂરિયાત હોય તે મુજબ માટી ધસી ન પડે તે માટે લગાવાયું છે. પરંતુ પાલિકાએ ઉતાવળે લીધેલા નિર્ણયને પગલે હવે વિશ્વામિત્રી પર કેટલીક જગ્યાએ આ ઘાસ જ્યાં લગાવાયું છે ત્યાં હવે ધોવાઈ રહ્યું છે. ગઇકાલ સુધી માટી ધસવાની શરૂઆત અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે થઈ હતી જ્યારે હવે નરહરિ બ્રિજ પાસે લગાવાયેલું આ ઘાસ હવે પાણી સાથે ધોવાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, ત્રણ મહિનાનો સેટિંગ પીરીયડ હોવા છતાં ઉતાવળે ચોમાસાના 20 દિવસ પહેલા જ વેટીવર ઘાસ લગાવાયું હતું. હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યારે આ પરિસ્થિતિ છે ત્યાં વધુ વરસાદ આવશે તો આ તમામ ટેકનીક પાણી સાથે વહી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.