ગાંધીનગર : કેન્દ્રિય ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ આજ રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
હવે તા.18મી જાન્યુઆરી,2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.
મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવાના પ્રસંગે આજે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું હતું કે,
BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા.મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે.એટલે કે, SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. મુસદ્દા મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ http://ceo.gujarat.gov.in ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.જેની ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. .18મી ફેબ્રુઆરી, 2026 સુધીમાં જો કોઇ વાંધા-દાવા હોય તો નિયત પ્રક્રિયા અનુસરીને મતદારોને સહાયરૂપ બને.નિયત સમયમાં મળેલા વાંધા-દાવાઓ વિશે ચકાસણી કરીને સબંધીત ચૂંટણી અધિકારી દ્વારા મતદારને નોટીસ મોકલીને તેની રૂબરૂ રજૂઆત બાદ જ સ્પષ્ટ હુકમ મારફતે મતદાર યાદીમાં નામ દાખલ કરવા કે ન કરવા અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે.તા.1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પુરા કરનાર યુવાનો ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદી કે જે તા.17-2-2026ના રોજ પ્રસિદ્ધ થવાની છે તેમાં દાખલ કરાવી શકે છે.
- અવસાન પામેલા મતદારો- 18,07,278
- ગેરહાજર મતદારો- 9,69,662
- કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- 40,25,553
- બે જગ્યાએ નોંધાયેલા મતદારો- 3,81,470
અન્ય મતદારો – 1,89,364
આ સ્થળેથી નામ છે કે નહીં તે ચકાસી શકાશે.
વેબસાઇટ http://ceo.gujarat.gov.in
વોટર પોર્ટલ : voters.eci.gov.in
ECINET App
BLO પાસેથી
જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી