અમદાવાદ : અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં આજે અચાનક મકાનની ગેલેરી ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ હતી. સંત વિનોબાભાવે નગર સ્થિત બ્લોક નં. 12માં બનેલી આ ઘટનામાં અંદાજે 40 લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને ફસાયેલા 39 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા.
આ ઘટનાને પગલે ક્વાર્ટર્સમાંથી નીચે ઉતરવાનો માર્ગ બંધ થઈ ગયો હતો, જેના કારણે અનેક પરિવારજનો ઘરમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ગોમતીપુર ફાયર સ્ટેશનની ટીમ બેથી વધુ વાહનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના સુખરામનગરના સંત વિનોબાભાવે નગર સ્થિત બ્લોક નં. 12માં અચાનક ગેલેરી તૂટી પડતા અંદાજે 40 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતાં તેઓએ તાત્કાલિક દોડી આવી ફસાયેલા 39 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. ફાયર કર્મચારીઓએ સીડીઓ અને દોરડાની મદદથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પ્રથમ પ્રાધાન્ય આપી બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ દરમિયાન એક વૃદ્ધાને સામાન્ય ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં હોવા અંગે અગાઉ મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અગાઉ પણ અહીં ગેલેરી પડવાની ઘટના બની હતી, છતાં યોગ્ય પગલાં ન લેવાતા ન હતા.