વડોદરા , તા.30
સ્ટેટ વિજિલન્સ દ્વારા ગત તારીખ 13 ના રોજ રણોલી જીઆઇડીસી માં આવેલા રાઘવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે રેડ પાડતા 38 લાખનો દારૂ તેમજ 50 લાખના મુદ્દામાલ સાથે ચાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવતા સ્થાનિક પોલીસ ની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા રેડ દરમિયાનના થોડા દિવસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી જેથી પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી હતી કે બાપોદના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેવી રીતે શું જવાહર નગરના પીઆઇ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે કે કેમ તેવો અનેકના મનમાં પ્રશ્ન હતો પરંતુ આખરે જવાહર નગરના ખૂંખાર ગણાતા પી.આઈ. એમ એન શેખને ડી જીના હુકમથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
31 તેમજ ઉતરાયણ ના પર્વ પહેલા મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે વિવિધ વિસ્તારના પોલીસ દ્વારા દારૂનો જથ્થો આવ્યો છે કે કેમ તેમ જ ક્યાં વેચાય છે તે માટે ની કામગીરી હાથ ધરીને તપાસ કરવા માં આવતી હોય છે ત્યારે કામગીરીમાં નિષ્ફળ ગયેલા એમ એન શેખ ઊંઘતા ઝડપાયા હતા ઉતરાયણના આગલા દિવસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીને આધારે રણોલી જીઆઇડીસી માં આવેલા રાઘવ એસ્ટેટ માં દરોડો પાડીને મહારાષ્ટ્ર પાર્સિંગના કન્ટેનર માંથી 700 પેટી વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 38 લાખ અને કન્ટેનર સહિત અન્ય મુદ્દા માલ સાથે રૂપિયા 50 લાખ ની વસ્તુઓ જપ્ત કરી ચાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી મોટા પાયે ચાલતા દારૂના વેપલા થી અજાણ પીઆઇ જાણે આંખો પર પાટા બાંધીને સત્તા અને કાયદાનું પાલન કરાવી રહ્યા હોય તેમ પ્રતિત થઈ રહ્યું હતું મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પકડાયો હોવાથી પોલીસ કમિશનર પર પણ આંગળી ચીંધવામાં આવી હતી અને જે તે વખતે તે શું પગલાં લેશે તેના માટે પણ ચર્ચા ચાલી રહી હતી પરંતુ આખરે અગાઉ બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઇ ની જેમ જવાહર નગરના પીઆઈને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.