રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલ શ્રીમાધોપુર નજીક એક મોટી રેલ દુર્ઘટના બની છે. ફુલેરાથી રેવાડી જતી એક માલગાડીના 36 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેના કારણે ટ્રેક પર ભારે નુકસાન થયું છે અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘટના શ્રીમાધોપુર ન્યૂ રેલવે સ્ટેશન નજીક બની હતી. જ્યાં અનેક ડબ્બાઓ એકબીજા પર ચડી જતાં ટ્રેક સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.
રેલવે અને પોલીસ અધિકારીઓની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી અને ભારે મશીનરી અને ક્રેનોની મદદથી ડબ્બાઓ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. માહિતી મુજબ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયેલી નથી.
દુર્ઘટનાનું કારણ હજી સ્પષ્ટ નથી
દુર્ઘટનાના ચોક્કસ કારણો હજી જાણી શકાયા નથી પરંતુ કેટલાક અહેવાલો મુજબ ટ્રેનના પાઇલટે ટ્રેક પર આવેલી ગાયને બચાવવા માટે અચાનક બ્રેક લગાવી હતી. જેના કારણે ડબ્બાઓનું સંતુલન બગડી ગયું અને આખી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી.
રેલવે વ્યવહાર ખોરવાયો
આ દુર્ઘટનાના કારણે રીંગસ-શ્રીમાધોપુર કોરિડોર પરનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોને વૈકલ્પિક માર્ગો પરથી ચલાવવામાં આવી રહી છે. રેલવે પ્રશાસન મુજબ, કાટમાળ હટાવવામાં અને ટ્રેક સમારકામમાં ઘણા કલાકો લાગી શકે છે, ત્યાર બાદ જ રેલ સેવા પુનઃ શરૂ થઈ શકશે.
માલગાડીની સ્થિતિ અને નુકસાન
આ દુર્ઘટનામાં પાટા પરથી ઉતરેલા 36 ડબ્બામાંથી મોટાભાગના ડબ્બાઓને ભારે નુકસાન થયું છે. કેટલાક ડબ્બાઓમાં ચોખા ભરેલા હતા. જેને હાલ ખાલી કરવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાના કારણે દિલ્હી-મુંબઈ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર પણ અસ્થાયી રીતે બંધ કરવો પડ્યો છે.
અધિકારીઓનું નિવેદન
ઉત્તર પશ્ચિમ રેલવે (NWR)ના જયપુર ઝોનના ડિવિઝનલ રેલવે મેનેજર રવિ જૈન અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના મેનેજર પ્રવીણ કુમારે જણાવ્યું કે રાહત અને સમારકામનું કામ સતત ચાલી રહ્યું છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર રેલ સલામતીના પ્રશ્નોને ચર્ચામાં લાવી દીધા છે કે કેવી રીતે એક નાનો જૈવિક અવરોધ પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે.