Vadodara

31 માર્ચ 2026 સુધી બાકી વેરા ભરનાર કરદાતાઓને 100% સુધી વ્યાજ માફીનો લાભ મળશે

દિવાળી પર વડોદરા મહાપાલિકાની બાકી મિલકત વેરા પર વ્યાજ માફી યોજના અમલમાં

વર્ષ 2003-04 થી 2024-25 સુધીની બાકી રકમ ભરનાર રહેણાંક મિલ્કતોને વ્યાજમાં 80 ટકા અને બિનરહેણાંક મિલ્કતોને 60 ટકા છૂટ મળશે

વડોદરા મહાનગરપાલિકાએ શહેરના કરદાતાઓને રાહત આપવા અને બાકી વેરાની વસુલાત ઝડપી બને તે હેતુથી “પ્રોપર્ટી ટેક્ષ ઇન્સેન્ટીવ રિબેટ (પાછલા વર્ષના બાકી વેરામાં વ્યાજ માફી)” યોજના વર્ષ 2025-26 માટે અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ યોજના સ્થાયી સમિતિની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. પાલિકા મુજબ ઘણા કરદાતાઓની મિલ્કતો બંધ રહેતા, કોર્ટ કેસ, લીકવીડેશન અથવા રેવન્યુ દાવા જેવા કારણોસર વેરા વસુલાત બાકી રહે છે. તે માટે હવે કરદાતાઓએ એક જ હપ્તામાં બાકી રકમ ભરવાથી વ્યાજ માફીનો લાભ મળશે. આ યોજનાનો લાભ ભાડા આકારણી પદ્ધતિ તેમજ ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ બંને માટે લાગુ રહેશે. ભાડા આકારણી પદ્ધતિમાં તા. 1 એપ્રિલ 2003 સુધીની બાકી રકમ એક સાથે ભરનાર કરદાતાઓને વ્યાજની 100 ટકા છૂટ આપવામાં આવશે. સાથે જ નોટીસ ફી, વોરંટ ફી અને જાહેરાત ખર્ચ પણ સંપૂર્ણ માફ રહેશે. જો ફક્ત વ્યાજ બાકી હશે તો તે પણ 100 ટકા માફ થશે.

ક્ષેત્રફળ આધારિત પદ્ધતિમાં વર્ષ 2003-04 થી 2024-25 સુધીની બાકી રકમ ભરનાર રહેણાંક મિલ્કતોને વ્યાજમાં 80 ટકા અને બિનરહેણાંક મિલ્કતોને 60 ટકા છૂટ મળશે. નોટીસ અને જાહેરાત ફી બંનેમાં 100 ટકા માફીનો લાભ મળશે. આ યોજના હેઠળ 31 માર્ચ 2026 સુધી વેરો ભરનાર કરદાતાઓને જ છૂટ મળશે. પાલિકાનું માનવું છે કે આ યોજનાથી નાગરિકોને રાહત મળશે તેમજ બાકી મિલકત વેરાની વસુલાતમાં વધારો થશે.

Most Popular

To Top