National

વાયનાડના ભૂસ્ખલનમાં 300 લોકો ગૂમ, સુરક્ષા દળોનો કાટમાળમાંથી જીવન બચાવવાનો પ્રયાસ જારી

નવી દિલ્હી: કેરળના (Kerala) વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે (Landslide) તબાહી સર્જાઈ છે. ત્યારે રાહત અને બચાવ કાર્ય (Rescue work) પણ પાછલા ચાર દિવસોથી ચાલુ જ છે. ત્યારે આજે શનિવારે 3 ઓગસ્ટના રોજ વાયનાડમાં બચાવ કામગીરીનો ચોથો દિવસ છે. દરમિયાન વાયનાડના (Wayanad) ચૂરમાલામાં NDRF અને સેનાના જવાનો પણ લોકોને બચાવવામાં વ્યસ્ત છે.

પ્રાપ્ત વિગતો મુજબ રેસ્ક્યુ ટીમ આધુનિક ટેકનિકલ સાધનો અને સ્નિફર ડોગ્સની મદદથી કાટમાળમાંથી જીવતા લોકોને શોધી રહી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના મૃતદેહો પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે હજુ સુધી આ કાટમાળમાં 300 લોકો ફસાયેલા છે. જેમાંથી કેટલાંક લોકો જીવતા હોવાનું પણ અનુમાન છે. આ મામલે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે રડારે કાટમાળ નીચે કેટલીક હિલચાલ જોઇ છે, જે લોકોના જીવિત હોવાનો પુરાવો છે. આવી મોટી ઘટના બાદ કહી શકાય કે કેરળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ સૌથી મોટી કુદરતિ આફત છે.

વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 358 લોકોના મોત થયા છે. જેમાંથી 214 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 187 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે ભૂસ્ખલન બાદ 300 જેટલા લોકો હજુ પણ ગૂમ છે. ત્યારે એવી સંભાવના છે કે આમાંથી ઘણા લોકો હજુ પણ કાટમાળમાં દબાયેલા અને જીવિત છે.

આજે શનિવારે વાયનાડમાં બચાવ કામગીરીનો ચોથો દિવસ છે ત્યારે લેફ્ટનન્ટ કર્નલ વિકાસ રાણાએ કહ્યું હતું કે, “આજે અમારી યોજના ગઈકાલ જેવી જ છે. અમે અલગ-અલગ ઝોનને વિભાજિત કર્યા છે અને ટીમ ત્યાં જવા રવાના થઈ ગઇ છે. સર્ચ ડોગ્સ અને વૈજ્ઞાનિકો પણ પોતાની ટીમો સાથે ઘટના સ્થળે ગયા છે. દરમિયાન ઘણા સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં સામેલ છે અને બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે.”

મળેલી વિગતતો મુજબ ભૂસ્ખલનના ચોથા દિવસે પદ્વેટ્ટી કુન્નુ પાસેના એક ઘરમાંથી ચાર લોકોના એક પરિવારને બચાવી લેવામાં આવ્યો હતો, જેનાથી રેસ્ક્યુ ટીમના સેંકડો બચાવ કાર્યકરોને આશાનું કિરણ મળ્યું હતું. હાલ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોના છ વિસ્તારોમાં કૂતરાઓ સાથેની લગભગ 40 બચાવ ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

તદ્ઉપરાંત વન અધિકારીઓએ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન આદિવાસી સમુદાયના ચાર બાળકો અને તેમના માતા-પિતાને બચાવ્યા હતા. કાલપેટ્ટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે હાશિસની આગેવાની હેઠળની ટીમ પરિવારને બચાવવા માટે જંગલમાં ઊંડે સુધી ગઈ હતી. ત્યારે આ મામલે એક અધિકારીએ કહ્યું હતું કે અમને રડાર પર સંકેત મળ્યા હતા કે કોઈ શ્વાસ લઈ રહ્યું છે. પછી અમે ઘટના સ્થળે ગયા અને તેમને બચાવ્યા હતા.

આટલું જ નહીં પણ IMD એ શનિવાર માટે વાયનાડનું હવામાન અપડેટ પણ જાહેર કર્યું હતું. જેમાં વિભાગે કહ્યું છે કે વાયનાડ વાદળછાયું રહેશે અને વરસાદી ઝાપટા પણ પડશે. પરંતુ ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં પણ અડચણ આવી હતી. જોકે, વરસાદ બંધ થયા બાદ બચાવ કામગીરી તેજ કરવામાં આવી હતી.

વાયનાડ ભૂસ્ખલનમાં જાન-માલના નુકસાન પર અમેરિકા, ચીન, જર્મની અને નેધરલેન્ડ સહિત ઘણા દેશોએ શુક્રવારે શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે ઇજિપ્ત, જોર્ડન અને બહેરીને પણ કેરળની ઘટના પર ભારત સાથે એકતા વ્યક્ત કરી હતી. આ સાથે જ કેન્દ્ર સરકારે કેરળના વાયનાડના 13 ગામો સહિત પશ્ચિમ ઘાટના 56,800 ચોરસ કિલોમીટર વિસ્તારને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર (ESA) તરીકે જાહેર કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. ત્યારે જણાવી દઇયે કે વાયનાડમાં ભૂસ્ખલનમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાના એક દિવસ બાદ આ સૂચના જારી કરવામાં આવી છે.

Most Popular

To Top