આ વર્ષે રેવતી નક્ષત્રના અદભૂત સંયોગ સાથે રવિવારે ચૈત્રી નવરાત્રિ શરૂ થઇ રવિવારે રામનવમીના દિવસે પૂર્ણ થશે
આ વર્ષે ચૈત્રી નવરાત્રિમા એક નોરતું ઘટે છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 27
આગામી 30મી માર્ચથી માં નવશક્તિ નવદુર્ગાની ભક્તિ, શક્તિ,ઉપાસના સાથેના ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે અદભૂત સંયોગ સાથે એટલે કે 30 માર્ચ ને ચૈત્ર સુદ એકમ રેવતી નક્ષત્રના અદભૂત સંયોગ સાથે રવિવારે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થશે અને આગામી 06 એપ્રિલ ને રવિવારે રામનવમીના દિવસે પૂર્ણ થશે.
આપણા હિન્દુ ધર્મમાં વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જેમાં હિન્દુ નવ વર્ષની શરુઆત થાય છે તે ચૈત્ર માસમાં શુક્લ પક્ષના એકમ થી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ, પોષ માસમાં શાકંભરી નવરાત્રિ,આસો માસમાં શારદીય નવરાત્રિ અને અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે જેમાં ચૈત્રી નવરાત્રિ નું વિશેષ મહત્વ છે.આ વર્ષે 30 માર્ચ ને રવિવારે રેવતી નક્ષત્રના અદભૂત સંયોગ સાથે રવિવારે ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે અને આગામી તા. 06 એપ્રિલ ને રામનવમીના દિવસે રવિવારે ચૈત્રી નવરાત્રિ સમાપ્ત થાય છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી નયન કુમાર જોષીના જણાવ્યા અનુસાર, આ વર્ષે માતાજી હાથી પર સવારી સાથે પધારશે. હાથી એ વૈભવ અને ઐશ્વર્ય નું પ્રતિક માનવામાં આવે છે માટે આ વર્ષે ચૈત્રી નવરાત્રિ શુભ ફળ આપશે. આ વર્ષે ચૈત્રી નવરાત્રીમાં એક નોરતું ઘટે છે.ચૈત્રી નવરાત્રિનું આધ્યાત્મિક શક્તિના સંચાર માટે વિશેષ મહત્વ રહેલું છે.ભગવાન શ્રી રામે પણ ચૈત્રી નવરાત્રિનું વ્રત કર્યું હતું.
આ વર્ષે ચૈત્ર સુદ એકમ ને રવિવારથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિમાં સવારે 8:10 કે. થી 11:25ક. દરમિયાન માતાજીના ઘટસ્થાપન થશે. સવારે સ્નાનાદિ કાર્યથી પરવારી શુધ્ધ વસ્ત્રો ધારણ કરી પ્રથમ જ્યાં ઘટ સ્થાપન કરવાનું હોય ત્યાં ધરતી માતને,ગુરુને અને ઇષ્ટદેવને પ્રણામ કરવું ત્યારબાદ વિધ્નહર્તા ગણેશજીનું આહ્વાન કરવું ત્યારબાદ બાજઠ પર લાલ વસ્ત્ર પર કળશની સ્થાપના કરવી જોઈએ કળશમાં શુધ્ધ જળ,સોપારી,સિક્કો,એક બદામ રાખવા,આંબાના પાન,ઉપર શ્રીફળ રાખવું તે શ્રીફળ પર લાલ કપડું અથવા ચૂંદડી લાલ નાડાછડી સાથે બાંધવી જોઈએ ત્યારબાદ માતા સરસ્વતી, લક્ષ્મીજી અને નવદુર્ગા નું આહ્વાન કરવું જોઈએ ત્યારબાદ ધૂપ,દીપ,ફૂલો થકી માં નવશક્તિનુ પૂજન કરવું.
બપોરે 12:30 થી 01:30 અભિજિત મુહૂર્તમાં અખંડ દીવો કરવો.
ચૈત્રી નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતી, એટલે ચંડીપાઠ બ્રાહ્મણ દ્વારા કરાવવા,દુર્ગા ચાલીસાના પાઠ કરવા, દુર્ગા સ્તોત્ર સતનામ, દૈવી કવચમ્, દૈવી સૂક્તમ્, તથા સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ સાથે જ ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્યૈ મંત્રના જાપ કરવા જોઈએ.બ્રહ્મચર્યનુ પાલન તથા શુદ્ધતા ખૂબ જરૂરી છે ચૈત્રી નવરાત્રિ દરમિયાન. ચૈત્રી નવરાત્રિમાં કુંવારીકાઓને ભોજન કરાવવું, શૃંગાર દાન કરવું જોઈએ સાથે જ શ્રીયંત્ર ની પૂજા કરવી રાત્રિ શુક્ત, કનકધારા સ્તોત્રથી માતાજીના સ્વરૂપ અથવા શ્રીયંત્ર પર અભિષેક કરવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે.
આ વર્ષે ચૈત્રી નવરાત્રીમાં એક નોરતું ઘટે છે જેના કારણે સોમવારે બીજું અને ત્રીજું નેત્ર નોરતું બે ભેગા છે.
કયા દિવસે કયા માતાજીનું પૂજન કરવું
30માર્ચ રવિવારે પ્રથમ નોરતે માં શૈલપુત્રી નું પૂજન કરવું
31માર્ચ સોમવારે માં બ્રહ્મચારિણી અને માં ચંદ્રઘંટા નું પૂજન કરવું
01 એપ્રિલ મંગળવારે માં કુષ્માંડા નું પૂજન કરવું
02 એપ્રિલ બુધવારે માં સ્કંદમાતા નું પૂજન કરવું
03 એપ્રિલ ગુરુવારે માં કાત્યાયની નું પૂજન કરવું
04 એપ્રિલ શુક્રવારે માં કાલરાત્રિ નું પૂજન કરવું
05 એપ્રિલ શનિવારે માં મહાગૌરી નું પૂજન કરવું
06 એપ્રિલ રવિવારે માં સિદ્ધિદાત્રી નું પૂજન કરવું
ચૈત્રી નવરાત્રિ દરમિયાન કુળદેવીની પૂજા તથા દુર્ગાષ્ટમીનો હવન કરવાથી કુળનું રક્ષણ થાય છે સાથે જ માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે.
