National

મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાં ભારે ભીડને કારણે 3 મુસાફરો પડી ગયા, 2ના મોત

દિવાળી અને બિહાર ચૂંટણીની મોસમ વચ્ચે મુંબઈથી બિહાર જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન નાસિક નજીક એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. જ્યાં ટ્રેનમાં ભારે ભીડના કારણે કર્મભૂમિ એક્સપ્રેસમાંથી ત્રણ મુસાફરો પડી ગયા હતા. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે. જ્યારે એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો છે.

આ ઘટના નાસિક રોડ રેલવે સ્ટેશનથી થોડે અંતરે, ભુસાવલ તરફ જતી ટ્રેકના 190/1 થી 190/3 કિલોમીટર વચ્ચે બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય મુસાફરો મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાં સફર કરી રહ્યા હતા. મુસાફરો વચ્ચે ભારે ભીડ હોવાને કારણે તેઓ ટ્રેનમાંથી નીચે પડી ગયા હોવાનું માનવામાં આવે છે.

ઘટનાની જાણ થતાં જ નાસિક રોડ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બે મૃતદેહોનો કબજો લીધો છે. જ્યારે ત્રીજા મુસાફરને ગંભીર હાલતમાં જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

મુસાફરોની ઓળખ હજુ થઈ નથી
હાલમાં મૃતક મુસાફરોની ઓળખ થઈ શકી નથી. પોલીસના જણાવ્યા મુજબ બંને મૃતકોની ઉંમર આશરે 30 થી 35 વર્ષ વચ્ચેની છે. ત્રીજા મુસાફરનું હાલત ગંભીર છે અને તેનું સારવાર ચાલી રહ્યું છે. મૃતકોના પરિવારજનોને શોધવા માટે પ્રયાસો ચાલુ છે.

દિવાળી અને ચૂંટણીને કારણે વધુ ભીડ
પોલીસના પ્રાથમિક તારણ મુજબ આ અકસ્માતનું મુખ્ય કારણ ટ્રેનમાં ભારે ભીડ હોવાનું લાગે છે. દિવાળીની રજાઓ અને બિહાર ચૂંટણીને કારણે મુંબઈથી બિહાર જતી તમામ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા સામાન્ય કરતાં ઘણું વધારે છે. લોકો પોતાના ગામડાંમાં તહેવાર ઉજવવા અથવા મતદાન કરવા જઈ રહ્યા હોવાથી ટ્રેનોમાં ઓવરલોડ સ્થિતિ સર્જાઈ છે.

પોલીસની તાત્કાલિક કાર્યવાહી
નાસિક રોડના સબ-ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સપકાલ, માલી અને કોન્સ્ટેબલ ભોલેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે પંચનામું તૈયાર કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. ઓઢા રેલવે સ્ટેશન મેનેજર આકાશે પણ ઘટનાની જાણ પોલીસને આપી હતી.

પોલીસે જણાવ્યું કે દિવાળી નજીક આવતા મુસાફરોની સુરક્ષા માટે વધારાની તકેદારી જરૂરી છે. જેથી ભીડને કારણે થતી આવી દુર્ઘટનાઓને ટાળી શકાય.

Most Popular

To Top