National

દેશમાં 1 જૂલાઇથી 3 નવા ફોજદારી કાયદા અમલમાં, દિલ્હીમાં પહેલો કેસ નોંધાયો

નવી દિલ્હી: દેશમાં આજે 1 જુલાઈથી આઈપીસી (IPC), સીઆરપીસી (CRPC) અને ભારતીય પુરાવા અધિનિયમની (Indian Evidence Act) જગ્યાએ, દેશમાં ત્રણ નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. એટલેકે રવિવારની રાત્રે 12 વાગ્યા પછી 1લી જુલાઈએ થયેલા તમામ ગુનાઓ હવે નવા કાયદા હેઠળ નોંધવામાં આવશે. ત્યારે આ કાયદાઓ હેઠળ આજે સવારે જ પ્રથમ કેસ દિલ્હીમાં નોંધાયો હતો.

1 જુલાઈથી અમલમાં આવી રહેલા ફોજદારી પ્રક્રિયાને સંચાલિત કરતા ત્રણ નવા કાયદાઓમાં ઝડપી ન્યાય મળે તે માટે FIR થી લઇ ચુકાદા સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી છે. નવી પીનલ કોડ ભારતીય ન્યાય સંહિતા હેઠળ આ કાર્યવાહી શેરી વિક્રેતા સામે કરવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર પહેલી FIR કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023 હેઠળ નોંધવામાં આવી હતી. આજથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ નીચે અડચણ ઉભી કરવા અને સામાન વેચવા બદલ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 285 હેઠળ શેરી વિક્રેતા સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

એફઆઈઆર મુજબ આરોપીની ઓળખ બિહારના બારહના રહેવાસી પંકજ કુમાર તરીકે થઈ છે. પોલીસે એફઆઈઆરમાં જણાવ્યું હતું કે આરોપી મુખ્ય માર્ગ પાસે એક ગાડીમાં તમાકુ અને પાણી વેચતો હતો, જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી હતી. જ્યારે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે આરોપીને તેની ગાડી હટાવવા કહ્યું ત્યારે તેણે અધિકારીઓની અવગણના કરી હતી. જેના કારણે તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો્ર

જણાવી દઇયે કે ક્રિમિનલ ટ્રાયલ્સ ઝડપી બનાવવા માટે આ નવા કાયદાઓમાં 35 સ્થળોએ સમયરેખા ઉમેરવામાં આવી છે. ફરિયાદ મળ્યા બાદ એફઆઈઆર દાખલ કરવા, તપાસ પૂર્ણ કરવા, કોર્ટનું સંજ્ઞાન લેવા, દસ્તાવેજો દાખલ કરવા અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ ચુકાદો આપવા માટે એક નિશ્ચિત સમય મર્યાદા છે. ત્યારે દિલ્હીનો બનાવ પણ આ જ કાયદા હેઠળ નોંધવામાં આવ્યો હતો.

કયો કાયદો કયા કાયદાની જગ્યાએ બદલાયો?

  • ભારતીય દંડ સંહિતા (IPC) 1860ને ભારતીય ન્યાયિક સંહિતા 2023 દ્વારા બદલવામાં આવી રહી છે –
  • ભારતીય પુરાવા અધિનિયમ 1872 ને ભારતીય પુરાવા અધિનિયમ 2023 દ્વારા બદલવામાં આવી રહ્યું છે
  • ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) 1973 ને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 દ્વારા બદલવામાં આવી રહી છે.

નવા કાયદામાં શું જોગવાઇઓ કરવામાં આવી છે

  • આતંકવાદની વ્યાખ્યા પહેલીવાર કરવામાં આવી છે
  • રાજદ્રોહને બદલે દેશદ્રોહ ગુનો બની ગયો છે
  • મોબ લિંચિંગના કેસમાં આજીવન કેદ અથવા મૃત્યુદંડ
  • પીડિતો ગમે ત્યાં FIR નોંધાવી શકશે, તેમજ ફરિયાદીને તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ ઉપલબ્ધ થશે
  • રાજ્યને એકપક્ષીય રીતે કેસ પાછો ખેંચવાનો અધિકાર નથી. પીડિતાનો પક્ષ સાંભળવામાં આવશે
  • ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર, FIR, કેસ ડાયરી, ચાર્જશીટ, જજમેન્ટ બધું જ ડિજિટલ હશે.
  • શોધ અને જપ્તીમાં ઓડિયો વિડિયો રેકોર્ડિંગ ફરજિયાત
  • સાક્ષીઓ માટે ઓડિયો અને વિડિયો દ્વારા નિવેદનો રેકોર્ડ કરવાનો વિકલ્પ
  • ફોરેન્સિક નિષ્ણાતો માટે સાત વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે તેવા ગુનાઓમાં પુરાવા એકત્ર કરવા ફરજિયાત છે
  • નાના ગુનાઓના ઝડપી નિકાલ માટે સમરી ટ્રાયલની જોગવાઈ
  • પ્રથમ વખત ગુનેગારને ટ્રાયલ દરમિયાન તેની એક તૃતીયાંશ સજા પૂરી કર્યા પછી જામીન મળશે
  • ભાગેડુ ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે
  • ઈલેક્ટ્રોનિક ડિજિટલ રેકોર્ડને પુરાવા તરીકે ગણવામાં આવશે
  • ભાગેડુ ગુનેગારોની ગેરહાજરીમાં પણ ટ્રાયલ ચાલુ રહેશે

ફોજદારી કાયદો વિચાર-વિમર્શ પછી લાવવામાં આવ્યો છેઃ મેઘવાલ
1 જુલાઈથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રવિવારે કહ્યું હતું કે ટેક્નોલોજી અને ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં વિકાસને ધ્યાનમાં રાખીને આ ત્રણ કાયદા જરૂરી છે. મેઘવાલે એમ પણ કહ્યું કે નવા ફોજદારી કાયદા 1 જુલાઈ, 2024થી લાગુ કરવામાં આવશે. ત્રણેય ફોજદારી કાયદા વિચાર-વિમર્શ બાદ લાવવામાં આવ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય દેશના લોકોને ન્યાય આપવાનો છે.

Most Popular

To Top