એલસીબી દ્વારા યુપીમાંથી ઝડપાયેલા આરોપીનું ગમછાથી ફાંસો ખાઈ લેતા મોત, પોલીસ બેડામાં ચકચાર
પ્રતિનિધિ) સાવલી | તા. 23
સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા મુકુટનગર ગામ પાસે વર્ષ 2000માં ગટરમાંથી બળી ગયેલી મહિલાની લાશ મળવાના હત્યાકાંડમાં છેલ્લા 25 વર્ષથી ફરાર રહેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રો મુજબ, તા. 16/04/2000ના રોજ ભાદરવા પોલીસ મથકમાં મંજુસર ગામની સીમમાં સાવલી–વડોદરા રોડ પર ગટરમાં કોથળામાં અજાણી મહિલાનો બળેલો મૃતદેહ મળ્યો હતો. તપાસ દરમિયાન મૃતકના પતિ ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદ વિશ્વનાથ કણકર સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીએ પત્ની પર જ્વલનશીલ કેમિકલ છાંટી તેને સળગાવી હત્યા કરી લાશ કોથળામાં બાંધી ગટરમાં નાખી ફરાર થઈ ગયો હતો.
યુપીમાંથી ધરપકડ બાદ ભાદરવા પોલીસને સોંપાયો
તાજેતરમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને હ્યુમન સોર્સ મારફતે બાતમી મળી હતી કે આરોપી પોતાના વતન ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના સપાયા ગામમાં જ રહે છે. આ આધારે એલસીબી ટીમે યુપી જઈ સતત વોચ ગોઠવી હતી. આરોપી ફ્રુટ-ચિક્કી અને પાન-પડીકીની લારી પર કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. વેશ બદલી ઘર બહાર નીકળતા સમયે એલસીબી ટીમે તેને ઝડપી પાડી ભાદરવા પોલીસ મથકને સોંપ્યો હતો.
લોકઅપમાં ગમછાથી ફાંસો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી રાત્રીના સમયે ભાદરવા પોલીસ મથકના લોકઅપમાં હતો. વહેલી સવારે ફરજ પરના પોલીસ કર્મચારીઓને તે લોકઅપમાં દેખાયો ન હતો. લોકઅપ ખોલી તપાસ કરતા બાથરૂમમાં પોતાના ગળામાં ગમછો બાંધી ફાંસો ખાઈ મૃત હાલતમાં મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જિલ્લા નાયબ પોલીસ વડા, એલસીબી, એસઓજી, સાવલી પ્રાંત અધિકારી તથા એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ લોકઅપમાં થયેલી આત્મહત્યા અંગે અલગથી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાએ ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
રિપોર્ટર: વિમલ પટેલ