ગોવાના આરાપોરા વિસ્તારમાં આવેલ બિર્ચ બાઈ રોમિયો લેન નાઇટ ક્લબમાં ગઈ કાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી. આ ઘટનામાં કુલ 25 જેટલા લોકોના મોત થયા છે. આ મૃતકોમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થયો છે.
પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ક્લબના કર્મચારીઓ અને કિચન સ્ટાફ હતા. ઉપરાંત 3 થી 4 પ્રવાસીઓના મૃત્યુની પણ ખાતરી થઈ છે.
આ આગ ગઈ કાલે શનિવારે રાત્રે લગભગ 11 થી 12 વાગ્યેની વચ્ચે લાગી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ઘણા લોકો ભાગી બહાર પણ નીકળી શક્યા નહીં.
સ્થાનિક લોકોએ શું કહ્યું?
ક્લબના સુરક્ષા ગાર્ડ સંજય કુમાર ગુપ્તા અનુસાર “આગ 11થી 12 વાગ્યાની વચ્ચે લાગી હતી. હું ગેટ પર હતો. અંદર DJ અને ડાન્સર્સ આવવાના હતા એટલે મોટી ભીડ થવાની હતી. અચાનક આગ લાગી ગઈ અને ધુમાડો ફેલાયો.”
ઉપરાંત બીજા નજીકના એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું કે “અમને પહેલા જોરદાર ધડાકો સાંભળ્યો, પછી ખબર પડી કે સિલિન્ડર ફાટ્યું છે.”
એક સ્થાનિક રહેવાસીએ કહ્યું “હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક મને ધડાકો સાંભળ્યો. થોડા જ સમયમાં એમ્બ્યુલન્સો આવવા લાગી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી.”
ભાજપના ધારાસભ્ય માઈકલ લોબોનું નિવેદન
ધારાસભ્ય માઈકલ લોબોએ જણાવ્યું કે “મોટાભાગના લોકોના મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. લોકો ગભરાઈને બેઝમેન્ટ તરફ દોડી ગયા હતા જ્યાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું.” તેમણે જણાવ્યું કે મૃતકોમાં પ્રવાસીઓ પણ છે પરંતુ મુખ્યત્વે સ્થાનિક સ્ટાફનો સમાવેશ થાય છે.
ગોવાના મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીનો ભરોસો આપ્યો
ગોવાના મુખ્યમંત્રીએ આ ઘટનાને “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને આંચકો આપનાર” ગણાવી.
તેમણે જણાવ્યું કે “આ દુર્ઘટના ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સુરક્ષા નિયમોના ભંગને કારણે થઈ છે સરકાર આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસ કરાવશે દોષિતોને છોડીશું નહીં અને એમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી થશે.”
CMએ વધુમાં ખાતરી આપી કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે રાજ્યના તમામ નાઇટ ક્લબોની સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવશે.