National

2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, તમામ 12 આરોપી નિર્દોષ જાહેર

2006ના વર્ષમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા સાત સીરીયલ બ્લાસ્ટો બાદ આખા દેશમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. તા.11 જુલાઈ, 2006ની સાંજે માત્ર 11 મિનિટમાં વિવિધ લોકલ ટ્રેનોમાં ઝણઝણાટ ભર્યા સાત વિસ્ફોટો થયા હતા.

આ વિસ્ફોટો ખાર-સાંતાક્રુઝ, બાંદ્રા-ખાર, જોગેશ્વરી, માહિમ, મીરા રોડ-ભાયંદર, માટુંગા-માહિમ અને બોરીવલીમાં થયા હતા.  જેમાં સેંકડો નિર્દોષ લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું હતું. આ ઘટનાને 19 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં આજે પણ લોકો ભૂલ્યા નથી.

હવે લગભગ બે દાયકા બાદ, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવાયેલા 12 તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નોંધનીય છે કે 2015માં ખાસ અદાલતે આ 12માંથી પાંચને મૃત્યુદંડ અને બાકીનાને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ હવે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે ફરિયાદ પક્ષ આ આરોપીઓ સામે આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.

ન્યાયાધીશ અનિલ કિલોર અને ન્યાયાધીશ  શ્યામ ચાંડકની બેન્ચે જણાવ્યું હતું કે કેસમાં પુરાવાઓ તથા સાક્ષીઓના નિવેદનો પૂરતા અને વિશ્વસનીય ન હોવાથી આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. કોર્ટે કહ્યું કે સાક્ષીઓના નિવેદનોમાં મોટાપાયે ખામીઓ હતી અને ઘણા પુરાવા આધારભૂત ન હોતાં.

ટેક્સી ડ્રાઈવરો તથા ટ્રેનમાં હાજર લોકોના નિવેદનો અંગે હાઈકોર્ટે જણાવ્યું કે વિસ્ફોટ બાદ લગભગ 100 દિવસ પછી કરવામાં આવેલી ઓળખ અથવા ઓળખપત્ર પર આધાર રાખવો યોગ્ય નથી. તેમજ, જે બોમ્બ, બંદૂકો અને નકશા મળી આવ્યા હતા, તે પણ આ કેસ સાથે સીધા જોડાઈ શકે તેવા પુરાવા ન હોવાથી તેમને ફગાવવામાં આવ્યા.

આ કેસ શરૂઆતમાં અલગ-અલગ સાત FIR તરીકે નોંધાયો હતો, જે બાદમાં તેને એકતૃત કરીને ATSને સોંપાયો હતો. ATSએ આ કેસમાં UAPA હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.

હવે હાઈકોર્ટના આ ચુકાદા બાદ 12 લોકોના નિર્દોષ જાહેર થવા સાથે જ આ કેસમાં ન્યાય પ્રક્રિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે.

Most Popular

To Top