ગાંધીનગર : કેન્દ્રીય બજેટ 2026માં દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઔદ્યોગિક, વ્યાપારી અને માળખાકીય શક્તિ ધરાવતા ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય માટે કુલ ₹20,011 કરોડની મોટી બજેટ જોગવાઈ કરી છે. આ જોગવાઈ રાજ્યના વિકાસપ્રવાસને નવી દિશા અને ગતિ આપનાર સાબિત થશે.બજેટમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ, રેલવે-મેટ્રો, માર્ગો, એરવેઝ, આવાસ, ડિજિટલ અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, પ્રવાસન તથા શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ રોકાણોથી ગુજરાતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે અને રોજગારની વિશાળ તકો સર્જાશે.
કર હસ્તાંતરણ અને અનુદાનમાં નોંધપાત્ર વધારો
બજેટ અંદાજ 2026-27 હેઠળ ગુજરાતને કરની વહેંચણી રૂપે ₹57,310 કરોડ ફાળવવામાં આવ્યા છે. વર્ષ 2014થી અત્યાર સુધી ગુજરાતને ₹3.24 લાખ કરોડનું કર હસ્તાંતરણ અને ₹1.88 લાખ કરોડનું અનુદાન સહાય મળ્યું છે. ઉપરાંત, મૂડી ખર્ચ માટે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન સ્વરૂપે વિશેષ સહાય હેઠળ 2020-21થી જાન્યુઆરી 2026 સુધી ગુજરાતને કુલ ₹19,185 કરોડ ફાળવાયા છે.
રેલ, માર્ગ અને મેટ્રોમાં ઐતિહાસિક રોકાણ
ગુજરાતમાં રેલવેના નવા ટ્રેક, વિદ્યુતીકરણ અને આધુનિકીકરણમાં ઝડપી પ્રગતિ થઈ છે. મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, ચાર વંદે ભારત ટ્રેનો, 87 અમૃત સ્ટેશનો અને અનેક ડબલિંગ તથા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ્સ રાજ્યની કનેક્ટિવિટી મજબૂત બનાવી રહ્યા છે. અમદાવાદ મેટ્રોના ફેઝ-1 અને ફેઝ-2ના લોકાર્પણથી શહેરી પરિવહનમાં નવી ક્રાંતિ આવી છે. ભારતમાલા યોજના હેઠળ દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે, અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસવે સહિત પાંચ ગ્રીનફિલ્ડ કોરિડોર અને અનેક રાષ્ટ્રીય હાઇ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ્સથી રાજ્યમાં માર્ગ માળખું મજબૂત બન્યું છે.
એરપોર્ટ, ઉડાન અને લોજિસ્ટિક્સમાં નવી ઉંચાઈ
રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ શરૂ થયો છે, જ્યારે ધોલેરા એરપોર્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ઉડાન યોજના હેઠળ 8 એરપોર્ટ અને 36 હવાઈ માર્ગો કાર્યરત થયા છે. સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ અને કૃષિ ઉડાન યોજનાથી ખેડૂતોને પણ લાભ મળશે.
ઊર્જા, સેમીકન્ડક્ટર અને ઉદ્યોગોમાં બૂસ્ટ
સોલાર, પવન અને બેટરી એનર્જી સ્ટોરેજ સહિતની નવીનીકરણીય ઊર્જા યોજનાઓ, કાકરાપાર પરમાણુ પ્લાન્ટ, તેલ પાઇપલાઇન અને ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સથી ગુજરાત ઊર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. સાણંદ અને ધોલેરામાં સેમીકન્ડક્ટર યુનિટ્સ, PM MITRA મેગા ટેક્સટાઇલ પાર્ક અને બાયોફાર્મા, કેમિકલ પાર્ક્સથી ઔદ્યોગિક વિકાસને મજબૂત આધાર મળ્યો છે.
પ્રવાસન, સંસ્કૃતિ અને સામાજિક યોજનાઓમાં વ્યાપક લાભ
દ્વારકા, સોમનાથ, અંબાજી, લોથલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટ્સથી ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થયો છે. જન ધન, ઉજ્જ્વલા, આયુષ્માન, PM કિસાન, જલ જીવન મિશન જેવી યોજનાઓથી કરોડો ગુજરાતીઓને સીધો લાભ મળ્યો છે.
ગુજરાત માટે વિકાસનું મજબૂત રોડમેપ
કેન્દ્રીય બજેટ 2026 ગુજરાત માટે માત્ર નાણાંકીય સહાય નહીં પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, રોજગાર અને સામાજિક વિકાસનું સ્પષ્ટ રોડમેપ રજૂ કરે છે. આ બજેટથી ગુજરાત દેશના વિકાસ એન્જિન તરીકે પોતાની ભૂમિકા વધુ મજબૂત કરશે.
ગુજરાતને મળેલા લાભ
• કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ₹20,011 કરોડની વિશેષ જોગવાઈ, વિકાસને મોટો બૂસ્ટ
• કર હસ્તાંતરણરૂપે રાજ્યને ₹57,310 કરોડ, નાણાંકીય સ્થિરતા મજબૂત
• મૂડી ખર્ચ માટે 50 વર્ષીય વ્યાજમુક્ત લોન ₹19,185 કરોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ
• મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ગુજરાત દેશની હાઈ-સ્પીડ રેલનું હબ
• 4 વંદે ભારત ટ્રેનો અને 87 અમૃત સ્ટેશનો, રેલવે સુવિધાઓ આધુનિક બનશે
• અમદાવાદ મેટ્રો ફેઝ-1 અને ફેઝ-2 શરૂ થતાં શહેરી પરિવહનમાં ક્રાંતિ
• દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે અને અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસવે, ઉદ્યોગોને ઝડપી કનેક્ટિવિટી
• રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ શરૂ, ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને મંજૂરી
• PM MITRA મેગા ટેક્સટાઇલ પાર્ક અને ટેક્સટાઇલ માટે 6 યોજનાઓ, ઉદ્યોગને વૈશ્વિક બળ
• સાણંદ–ધોલેરામાં સેમીકન્ડક્ટર યુનિટ્સ, હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં આગવી ઓળખ
• 3 કેમિકલ પાર્ક અને ₹10,000 કરોડની બાયોફાર્મા જોગવાઈ, ઔદ્યોગિક રોકાણમાં વધારો
• ઓફશોર વિન્ડ, સોલાર અને બેટરી એનર્જી પ્રોજેક્ટ્સ, ઊર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર
• દ્વારકા, સોમનાથ, લોથલ-ધોળાવીરા સહિતના પ્રવાસન પ્રોજેક્ટ્સ, ‘વિરાસત ભી, વિકાસ ભી’
• ટિયર-2 અને ટિયર-3 શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન, નાના શહેરોનો સુગ્રથિત વિકાસ
• સમગ્ર બજેટથી રોજગાર સર્જન, ઉદ્યોગ વૃદ્ધિ અને ગુજરાતનો વિકાસ એન્જિન રૂપે દરજ્જો વધુ મજબૂત