ગાંધીનગર : રાજ્ય સરકારે નાગરિક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં “સુગમ ડિજિટલ ગુજરાત” પહેલ હેઠળ સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે. હવે આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર અને રેશનકાર્ડ સંબંધિત સેવાઓ માટે નાગરિકોને કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે.
આ પહેલ ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC)ની ભલામણોને આધારે અમલમાં મૂકાઈ છે, જેનાથી રાજ્યમાં દર વર્ષે મળતી લગભગ 1.20 કરોડ અરજીઓમાંથી મોટા ભાગની પ્રક્રિયા હવે સરળ અને ઝડપી બની જશે. ખાસ કરીને 87 લાખથી વધુ અરજીઓ આવતી 20 મુખ્ય સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.
સરકારનું ધ્યાન હવે “ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ” વહીવટ પર કેન્દ્રિત થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર ડિજિટલ ગવર્નન્સ તરફ ઝડપથી આગળ વધી રહી છે.
આ પહેલ હેઠળ પાંચ મુખ્ય વિભાગોની સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) દ્વારા SEBC, SC, EWS પ્રમાણપત્ર, નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ અને આવકના દાખલા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (FCS) દ્વારા રેશનકાર્ડમાં નામ ઉમેરવું/કાઢવું, સુધારો, નવું-ડુપ્લિકેટ રેશનકાર્ડ બનાવવા ઉપરાંત મહેસૂલ વિભાગ દ્વારા નકલ મેળવવાની સેવા તેમજ કાયદા વિભાગ દ્વારા સોગંદનામું કરવાની સુવિધા આપવામાં આવશે.