દ્વારકા: ગુજરાતના (Gujarat) દરિયાકાંઠેથી વારંવાર ડ્રગ્સ (Drugs) અને ચરસ મળી રહ્યું છે, પાચલા 60 કલાકમાં આ બીજીવાર છે કે જ્યારે ગુજરાતના દ્વારકાના દરિયા કાંઠેથી બિનવારસી ચરસ (Hashish) મળી આવ્યું હતું. અગાઉ સોમવારે દ્વારકા પોલીસને રૂપેણ બંદરેથી ચરસ મળ્યું હતું ત્યારે હવે ફરી દ્વારકા પોલીસને (Dwarka Police) તપાસ દરમિયાન બિનવારસી હાલતે 20 કિલોથી વધુ ચરસ મળી આવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના મોજપ દરિયાકાંઠેથી મંગળવારે બપોરે બિનવારસી ચરસ મળ્યુ હતું. અંદાજિત 10 કરોડથી વધુનું ચરસ મળી આવતા સમગ્ર પોલીસ તંત્રમાં ખળભડાટ મચી ગયો હતો. અસલમાં ગઇકાલે પોલીસને તપાસ દરમિયાન 20 પેકેટ જેટલું ચરસ મળ્યું હતું. અગાઉ થોડા દિવસ પહેલાં દ્વારકાના દરિયાકાંઠેથી SOG પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 32 કિલો ચરસ મળી આવ્યું હતું. જેની કિંમત આસરે 16 કરોડ રૂપિયા બતાવવામાં આવી હતી. ત્યારે પોલીસે ચરસના 30 પેકેટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્યારે દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર અને વરવાળાના દરિયાકાંઠેથી 3 દિવસ પહેલાં 16.02 કરોડનો 32 કિલોથી વધુ ચરસનો જથ્થો પકડાયા બાદ પોલીસે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતુ. ત્યારે દ્વારકાના મોજપ પાસેથી પોલીસને સોમવારે રાત્રે 872 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. ત્યાર બાદ મંગળવારે બપોરે વધુ 20 પેકેટમાં અંદાજે રૂ. 10 કરોડનો ચરસનો જથ્થો મળ્યો હતો. જેનું વજન અંદાજીત 20 કિલોથી વધુ હતું. ત્યારે દરિયાકિનારે અવાવરું સ્થળોએ ડ્રગ્સ ફેંકવાના આરોપમાં દ્વારકા પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ડ્રગ્સ માફિયાની નવી યુક્તિ?
દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. ત્યારે કહી શકાય કે ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે. જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો કબ્જામાં લેવામાં આવે છે. જેને પછી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોય છે. ત્યારે આ કામ કરનારું ડ્રગ્સ અને ચરસ માફિયાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે એમ કહી શકાય.