India

જેલમાં મુખ્તાર અંસારીના મોતને 2 વર્ષ પૂર્ણ

પરિવાર આજે પણ “ષડયંત્ર” ની આશંકા વ્યક્ત કરે છે

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ રહેલા માફિયા-થી-રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના મોતને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. 28 માર્ચ 2024ની મોડી રાત્રે તેમનું નિધન થયું હતું. સત્તાવાર તપાસમાં મોતનું કારણ હાર્ટ એટેક જણાવાયું હતું, પરંતુ પરિવાર અને વકીલ આજે પણ આ મામલાને લઈને ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.

મોત પહેલાં મુખ્તાર અંસારીએ બારાબંકી સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે પોતાની જિંદગી જોખમમાં હોવાનો દાવો કર્યો હતો. તેમણે લખ્યું હતું કે બાંદા જેલમાં તેમની તબિયત સતત બગડી રહી છે, નસોમાં દુખાવો થાય છે, હાથ-પગ ઠંડા પડી જાય છે અને જેલ સ્ટાફ દ્વારા ખોરાકમાં “સ્લો પોઈઝન” આપવામાં આવી રહ્યું હોવાની શંકા છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે કોઈપણ સમયે તેમના મોત થઈ શકે છે.

મુખ્તારના પરિવારજનો અને તેમના વકીલ રણધીર સિંહ સુમને દાવો કર્યો છે કે જેલ સ્ટાફે સડયંત્ર રચીને તેમની હત્યા કરી છે. વકીલનું કહેવું છે કે મોત પહેલાંની તસવીરો, કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનો અને દસ્તાવેજો આ શંકાને વધુ મજબૂત બનાવે છે. તેમણે મેજિસ્ટ્રિયલ તપાસને પણ શંકાસ્પદ ગણાવી છે અને હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવાની તૈયારી દર્શાવી છે. આ કેસમાં 172 દિવસ સુધી તપાસ ચાલી હતી, જેમાં મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું નિષ્કર્ષ આવ્યું હતું. તેમ છતાં કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે આજે પણ જેલની બેરક નંબર-16, કપડાં, પુસ્તકો અને અન્ય વ્યક્તિગત સામાન સીલ રાખવામાં આવ્યો છે.

જેલ અધિક્ષક આલોક કુમારે જણાવ્યું કે તપાસ માટે બેરક અને તમામ સામાન યથાવત સીલ રાખવામાં આવ્યા છે. પરિવારને સામાન સોંપવાની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈએ તે લેવા માટે સંપર્ક કર્યો નથી. બે વર્ષ બાદ પણ આ કેસની કાનૂની લડત યથાવત છે. પરિવારનું કહેવું છે કે સત્ય બહાર ન આવે ત્યાં સુધી તેઓ કોર્ટમાં લડત ચાલુ રાખશે.

Most Popular

To Top