છત્તીસગઢ: છત્તીસગઢના (Chhattisgarh) કવર્ધા જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે એક પીકઅપ (Pickup) ઉંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 19 લોકોના મોત થયા હતા જ્યારે ચાર ઘાયલ થયા હતા. આ પીકઅપમાં 25 લોકો સવાર હતા. આ તમામ લોકો આદિવાસી સમાજના હતા. તેમજ ઘટના પંડારિયાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
અકસ્માતગ્રસ્ત પીકઅપમાં બૈગા આદિવાસીઓ જંગલમાંથી પરંપરાગત તેંદુના પાન લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાહપાની વિસ્તાર પાસે પીકઅપ વાહન રોડ પર કાબુ બહાર નીકળી ગયું અને 20 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. જેમાં 18 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બાકીના લોકો ઘાયલ થયા હતા. પીકઅપમાં 25 લોકો સવાર હતા. તેમજ તમામ કુઇના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પીડિતાના પરિવારજનો અને સંબંધીઓને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ શોક વ્યક્ત કર્યો
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો, તેમણે X પર લખ્યું છે કે, કબીરધામ જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહપાની ગામ પાસે પીકઅપ પલટી જવાથી 18 ગ્રામજનોના મોત અને 4ના ઘાયલ થવાના દુ:ખદ સમાચાર મળ્યા હતા. ઘાયલોની સારી સારવાર માટે જિલ્લા પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. હું દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.
છત્તીસગઢના ડેપ્યુટી સીએમએ ટ્વીટ કર્યું
છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્માએ એક્સ પર ટ્વીટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, કવર્ધામાં મજૂરોથી ભરેલ પીકઅપ વાહન પલટી જવાથી 15 લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. મારી સંવેદના એ તમામ પરિવારો સાથે છે જેમણે આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.