ઉત્તર પ્રદેશ: યુપીની (UP) રાજધાની લખનૌના (Lucknow) અકબરનગરમાં બનેલા ગેરકાયદે બાંધકામો (Illegal constructions) પર યુપીની યોગી સરકારે એક્શન મોડ શરૂ કર્યુ હતું. તેમજ અહીંના મંદિર-મસ્જિદ સહિતના 1800 ઘરોને રાતોરાત ધ્વસ્ત કરી દીધા હતા. આ ડિમોલિશનમાં (Demolition) છેલ્લા 9 દિવસમાં 1800 જેટલા ગેરકાયદેસર મકાનો સહિત દુકાનો અને કોમ્પ્લેક્સ વગેરેને પન તોડી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મોટું અતિક્રમણ હટાવવાનું અભિયાન આજે 19 જૂનના રોજ પૂર્ણ થયું હતું. અસલમાં લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની સંયુક્ત ટીમે કુકરેલ નદીની જમીન પર ગેરકાયદેસર રીતે વસેલા અકબરનગરને સંપૂર્ણપણે તોડી પાડ્યું હતું. તેમજ 10 જૂનથી શરૂ થયેલી ડિમોલિશનની કામગીરી મંગળવારની રાત સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. જોકે સોમવારે બકરીઇદને કારણે કાર્યવાહી બંધ રાખવામાં આવી હતી.
મંગળવારે કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ હવે આજે અહીંથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઝુંબેશ દરમિયાન લગભગ 24.5 એકર જમીન પર બનેલા 1200 થી વધુ ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાની ટીમ કાટમાળ હટાવીને સમગ્ર વિસ્તારને સમતળ કરશે.
ત્યારે જણાવી દઈએ કે અકબરનગરમાં ડિમોલિશન અભિયાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, તેમજ કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા આ ડિમોલિશનમાં અત્યાર સુધીમાં 1,169 ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનો અને 101 કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ અભિયાનમાં આશરે 24.5 એકર જમીનમાં બનેલા 1800થી વધુ ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ઝુંબેશ
કુકરેલ નદીને પુનર્જીવિત કરીને રિવર ફ્રન્ટ બનાવવાની યોજનાના અમલ બાદ સરકારની સૂચનાથી આ વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે આ સર્વે દરમિયાન નદીની જમીન પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો થયા હોવાનું સામે આવ્યું હતું. આ પછી એલડીએએ ડિસેમ્બર 2023માં બુલડોઝ અભિયાન શરૂ કર્યું હતું.
બુલડોઝ અભિયાનની શરૂઆતમાં જ ભીકમપુરમાં 48 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા બાદ અકબરનગર પાર્ટ એક અને ટુમાં ગેરકાયદે બાંધકામ કરનારાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જેના વિરોધમાં અકબરનગરના લોકો હાઈકોર્ટમાં ગયા હતા. પરંતુ હાઇ કોર્ટમાં રાહત ન મળતા આ લોકો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા ગયા હતા. જેની સુનાવણી બાદ કોર્ટે બાંધકામને ગેરકાયદેસર માન્યું હતું અને એલડીએને કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી. ત્યારે કોર્ટની પરવાનગી મળ્યા બાદ એલડીએએ 10 જૂને ડિમોલિશન શરૂ કર્યું હતું.