સુરત:કતારગામમાં ગોધાણી સર્કલ પાસેનાં 121 વર્ષથી કાર્યરત મહાજન અનાથ બાળાશ્રમ (orphanage) માં ઊછળીને 18 વર્ષની થયેલી દીકરી લક્ષ્મીના ગુરુવારે ધામધૂમથી લગ્ન થયાં હતાં. જે પ્રસન્ગ નિમિત્તે અનાથ આશ્રમમાં શરણાઈના સૂર રેલાયા હતા અને આશ્રમને દુલ્હન (bridal)ની જેમ શણગારી દેવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓએ કન્યાદાન કરીને સામાન્ય પરિવારની દીકરીઓની જેમ કરિયાવર આપીને વિદાય આપી હતી.
4 વર્ષની ઉંમરે મળી આવેલ લક્ષ્મીની અશ્રુભીની વિદાય.
4 વર્ષની ઉંમરે મળી આવેલી દીકરી (daughter)ને 121 વર્ષથી કાર્યરત મહાજન અનાથ બાળાશ્રમમાં લાવવામાં આવી હતી. જ્યાં દીકરીને લક્ષ્મી નામ આપવામાં આવ્યું હતું. લક્ષ્મી અહીં જ મોટી થઇ અને અહીં જ ધો.10 સુધીનો અભ્યાસ (education) કર્યો હતો. લક્ષ્મી સ્પોર્ટસ અને યોગામાં ઘણી હોંશિયાર છે. કરાટેમાં બ્લેક બેલ્ટ સુધી તે પહોંચી છે. લક્ષ્મી 18 વર્ષની થતાં જ તેના ગુરુવારે અનાથ આશ્રમના પટાંગણમાં ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યાં હતાં.
લક્ષ્મીને કોઈ પણ વાતની કમી ન રહે એ માટે ટ્રસ્ટી (trusty)ઓએ સંપૂર્ણ તકેદારી રાખી હતી. વિધિપૂર્વક યોજાયેલા લગ્નમાં ચાર ફેરા ફરનાર લક્ષ્મીનું કન્યાદાન ટ્રસ્ટીઓએ માતા-પિતાની ભૂમિકા અદા કરીને કર્યું છે. આશ્રમમાં ઉછરી રહેલાં અન્ય બાળકો અને સ્ટાફ પિયરિયાની ભૂમિકામાં રહ્યાં હતાં. ત્યારે આશ્રમની દીકરી લક્ષ્મીની વિદાય ટાણે અનાથ આશ્રમની દીવાલો પણ પરિવારના પ્રેમ (love)થી ભીંજાઈ ગઈ હોય તેમ તમામની આંખો ભીંની જોવા મળી હતી.
અનાથ આશ્રમના પટાંગણમાં ભવ્ય લગ્ન સમારોહ યોજાયો
લક્ષ્મીના લગ્ન અડાજણમાં રહેતા કશ્યપ મેહુલભાઇ મહેતા સાથે થયાં છે. કશ્યપ સંગીતના ક્લાસ ચલાવે છે. તેણે ઉચ્ચ અભ્યાસ (high education) કર્યો છે. દીકરી લક્ષ્મી તેમના ઘરની ગૃહલક્ષ્મી બની છે. કશ્યપના પિતા મેહુલભાઈ મહેતા સ્પોકન ઈંગ્લિશ ક્લાસ ચલાવે છે. તેના પિતા આ બાળાશ્રમમાં સ્પોકન ઇંગ્લિશ ક્લાસની સેવા કરતા હતા. ત્યારે તેમણે લક્ષ્મીને જોઈ હતી. તેના દીકરાનાં લગ્ન માટે ટ્રસ્ટીઓ અને લક્ષ્મીને વાત કરી હતી. અને આખરે બંનેના મનમેળ થતાં ગુરુવારે ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. મહેંદીથી લઈ વિદાય સુધીની તમામ રસમ રીત-રિવાજ મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ વનમાળીભાઇ હજારી, ઉપપ્રમુખ ડો.હરિકૃષ્ણ જોષી. મંત્રી રાજુભાઇ શાહ તેમજ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ આ લગ્નોત્સવમાં જોડાયા હતા.
અનાથ બાળાશ્રમમાં આ જ રીતે ભૂતકાળમાં પાંચ દીકરીનાં લગ્ન થયાં છે.
મહાજન અનાથ બાળાશ્રમના મંત્રી જગદીશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, બાળાશ્રમની દીકરી લક્ષ્મી આશ્રમમાં બાળપણથી ઉછેરીને મોટી થઇ છે. જેનાં 18 વર્ષ પૂર્ણ થતાં લગ્નોત્સવ ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટીઓએ દીકરીનાં લગ્નની તમામ જવાબદારી (responsibility) ઉપાડી લીધી છે. ટ્રસ્ટી તેજસભાઇ મરચન્ટ અને તેમનાં પત્ની સાથે કન્યાદાન કર્યું હતું. આ જ રીત ભૂતકાળમાં પણ કુલ પાંચ દીકરીનાં લગ્ન યોજાયાં છે. દીકરી લક્ષ્મીના ઉજ્જવળ ભવિષ્ય તેમજ આવનારું વૈવાહિક જીવન આનંદમય અને શુભકારક નીવડે તેવી ટ્રસ્ટીઓએ શુભેચ્છા આપી હતી.
લક્ષ્મીનું કન્યાદાન આશ્રમના ટ્રસ્ટીઓએ કર્યું, દીકરીને કોઈ કમી મહેસૂસ ન થવા દેવાઈ
બાળાશ્રમના ટ્રસ્ટી તેજસભાઇ મરચન્ટે દીકરી લક્ષ્મીને સાડી, સોનાના દાગીના, ડ્રેસ, કટલેરી સહિતનો તમામ કરિયાવર આપ્યો હતો. લક્ષ્મીને માતા-પિતાની કમી મહેસૂસ ન થાય એ માટે પોતાની જ દીકરીની જેમ વિદાય કરી હતી. લક્ષ્મીના આ અનોખા લગ્નમાં મહેમાનો પણ હાજર રહ્યા હતા. કતારગામના પ્રેમવતી ગોલ્ડનાં સંચાલક અલ્પાબેન જિતેન્દ્રભાઇ બાબરિયાએ ચાંદીની ગાયના દાન સાથેની ગિફ્ટ (gift) આપી હતી.