સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનો પ્રથમ તબક્કો પૂર્ણ, હવે પાર્લામેન્ટરી બોર્ડ કરશે અંતિમ નિર્ણય
સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. શહેર ભાજપ દ્વારા યોજાયેલી સંકલન બેઠકમાં કુલ 120 બેઠકો માટે મોટી સંખ્યામાં આવેલા દાવેદારોમાંથી પ્રથમ તબક્કામાં 350 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે આશરે 1720 જેટલા દાવેદારો બહાર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ટિકિટ મેળવવા માટે કુલ 2080 જેટલા દાવેદારોએ અરજી કરી હતી. જેમાંથી સંકલન બેઠક દરમિયાન દરેક બેઠક માટે ત્રણ જેટલા ઉમેદવારોના નામનો પેનલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલેલી બેઠકમાં પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના જવાબદારોએ વિસ્તૃત ચર્ચા કરી હતી.સંકલન બેઠકમાં થયેલા આ નિર્ણય બાદ હવે આ 350 નામોની યાદી ભાજપના પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે.
અંતિમ ઉમેદવારોની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે. એટલે કે, આ તબક્કો ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સૂત્રો મુજબ, ઉમેદવારોની પસંદગી વખતે તેમના કાર્યકાળ, લોકપ્રિયતા, સંગઠન પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતા જેવા માપદંડોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. સાથે જ યુવા અને નવા ચહેરાઓને પણ તક આપવા પર ભાર મૂકાયો છે.
વિશેષમાં, સુરત શહેર ભાજપ દ્વારા ટિકિટ માટે દાવેદારી કરતા ઉમેદવારોની સંખ્યા નોંધપાત્ર રીતે વધુ રહી હતી, જેના કારણે પસંદગી પ્રક્રિયા વધુ કઠિન બની હતી. સંકલન બેઠક દરમિયાન દરેક બેઠક માટે વિસ્તૃત ચર્ચા કરીને અંતે શોર્ટલિસ્ટ તૈયાર કરવામાં આવી હતી. હવે સૌની નજર ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના અંતિમ નિર્ણય પર છે, જેમાંથી સ્પષ્ટ થશે કે કોને ચૂંટણી માટે ટિકિટ મળશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ શહેરની રાજનીતિમાં ગરમાવો વધુ વધવાની શક્યતા છે.