World

નેપાળની ત્રિશૂલી નદીમાં બસ ખાબકતાં દુર્ઘટનામાં 17નાં મોત, 24થી વધુ ઘાયલ

નેપાળમાં વહેલી આજે સવારે એક ભયાનક માર્ગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયા છે, જ્યારે 24થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. મુસાફરોથી ભરેલી બસ પૃથ્વી હાઇવે પરથી બેકાબૂ બની અંદાજે 300 મીટર નીચે ત્રિશૂલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટના ધાદિંગ જિલ્લાના બેનીઘાટ રોરાંગ ગ્રામિણ નગરપાલિકા-5 નજીક બની હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ અકસ્માત લગભગ 1:30 વાગ્યે સર્જાયો હતો. બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. વળાંકવાળા અને પહાડી માર્ગ પર ચાલકે કાબૂ ગુમાવતા બસ સીધી ખીણ તરફ ઉતરી ગઈ અને નદીમાં સમાઈ ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે બસને ખાસ્સું એવું નુકસાન થયું હતું.

સશસ્ત્ર પોલીસ દળના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 17 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 11 પુરુષો અને 6 મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલ થયેલા 24થી 27 લોકોમાં કેટલાક વિદેશી પ્રવાસીઓ તેમ જ એક નાની બાળકીનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અંધારું અને મુશ્કેલ પહાડી વિસ્તાર હોવા છતાં સુરક્ષા દળોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો સાથે ડાઇવરો પણ નદીમાં શોધખોળ માટે ઉતારવામાં આવ્યા છે. બચાવ કાર્ય કલાકો સુધી ચાલુ રહ્યું. અકસ્માતનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસ મુજબ વળાંક પર ગતિ વધુ હોવાને કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે અને સત્તાવાળાઓએ વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. નેપાળમાં પહાડી રસ્તાઓ, તીક્ષ્ણ વળાંકો અને અચાનક બદલાતા હવામાનને કારણે માર્ગ દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે છે. સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા અકસ્માતની સંપૂર્ણ તપાસ બાદ જ અંતિમ કારણો સ્પષ્ટ થઈ શકશે.

Most Popular

To Top