નવી દિલ્હી: આંધ્રપ્રદેશનામાં (Andhra Pradesh) ગઇકાલે બુધવારે એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટ (Explosion) થયો હતો. જેમાં 17 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. દરમિયાન સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઇ હતી. ત્યારે પીએમ મોદીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને દુર્ઘટનાથી પીડિત લોકો માટે વળતરની જાહેરાત કરી હતી.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે યુનિટમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. તેમજ ચંદ્રબાબુ આજે ગુરુવારે ઘટના સ્થળની મુલાકાત લેવા જશે. તદ્ઉપરાંત આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને વડાપ્રધાન મોદીએ 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી, સાથે જ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
કારખાનામાં બપોરે 2:15 કલાકે આગ લાગી હતી
દુર્ઘટના અંગે માહિતી આપતા અનાકાપલ્લે જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય કૃષ્ણને જણાવ્યું હતું કે, જિલ્લાના અચ્યુતાપુરમ સ્થિત એસેન્શિયા એડવાન્સ્ડ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં બપોરે 2:15 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આ ફેક્ટરીમાં બે શિફ્ટમાં 381 કર્મચારીઓ કામ કરે છે. તેમજ વિસ્ફોટ લંચ બ્રેક સમયે થયો હતો. જેથી મોટા ભાગનો સ્ટાફ જમવા ગયેલો હોય, અકસ્માત થયો ત્યારે સદનસીબે દુર્ઘટના સ્થળે સ્ટાફની હાજરી ઓછી હતી.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
દુર્ઘટનાની જાણ થતા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો અને વળતરની જાહેરાત કરી હતી. પીએમ ઑફિસના જણાવ્યા અનુસાર, વડા પ્રધાને મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ સાથે જ પીએમઓએ એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી આ દુર્ઘટનામાં થયેલા મૃત્યુથી અત્યંત દુ:ખી છે. તેમણે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
સીએમ ચંદ્રબાબુ નાયડુએ શોક વ્યક્ત કર્યો
દુર્ઘટનાને પગલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કંપનીમાં મૃત્યુ પામેલા લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. ત્યારે રાજ્યના જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આજે અનાકાપલ્લે જિલ્લાના અચ્યુતાપુરમની મુલાકાત લેશે અને ફાર્મા કંપની અકસ્માતમાં મૃતકો અને ઘાયલોના પરિવારોને મળશે. આ સાથે જ સીએમ નાયડુ અકસ્માત સ્થળનું નિરીક્ષણ પણ કરશે.
કેવી રીતે થયો અકસ્માત?
જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે થયો હોવાની આશંકા છે. ત્યારે 40 ઘાયલ લોકોને અનાકાપલ્લે અને અચ્યુતાપુરમની અનેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ આ દુર્ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ છ ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.