શિક્ષક મહાસંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન હોવાથી શાળાઓનાં સમયમાં ફેરફાર કરાયો
ઓપરેશન સિંદૂરની સફળતા અને પીએમ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ શિબિરનું આયોજન
( પ્રતિનિધી )વડોદરા,તા.13
રાજ્યમાં પ્રાથમિક શાળાઓનાં સમયને લઈને શિક્ષણ વિભાગે મહત્ત્વનો આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગના આદેશ હેઠળ 16 સપ્ટેમ્બરનાં દિવસે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનાં સમયમાં ફેરફાર કરાયો છે. 16 સપ્ટેમ્બરે તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી રહેશે, જે અંગે શાળા તંત્રને પરિપત્ર થકી જાણ કરાઈ છે. સાથે જ વાલીઓને પણ નોંધ લેવા જણાવ્યું છે. 16 સપ્ટેમ્બરે શિક્ષક મહાસંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન હોવાથી શાળાઓનાં સમયમાં ફેરફાર કરાયો છે.
રાજ્યના શિક્ષણ વિભાગના નવા આદેશ મુજબ 16 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રહેશે. સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે શાળાઓ ત્રણ કલાક વહેલી પૂર્ણ થઈ જશે. શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષક મહાસંઘ દ્વારા આ દિવસે રાજ્યવ્યાપી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યમાં શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ શકે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી શકે તે હેતુથી શાળાઓનો સમય સવારનો કરવામાં આવ્યો છે. 16 સપ્ટેમ્બર 2025 રોજ યોજાનાર ભવ્ય મહારક્તદાન શિબિર એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના કર્મચારીઓ દ્વારા માનવતાના મહાદાનનું એક ઉદાહરણ છે. આ શિબિરનું આયોજન ભારત સરકારના મહત્વકાંક્ષી ઓપરેશન સિંદૂર ની સફળતા અને ગુજરાતના પનોતા પુત્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યમાં રાજ્યના તમામ વિભાગોના કર્મચારીઓ ઉમંગભેર જોડાઈ રહ્યા છે. ખાસ કરીને, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પ્રાથમિક શિક્ષકો પણ આ સમાજોપયોગી પ્રવૃત્તિમાં પોતાનું યોગદાન આપવા ઉત્સાહિત છે. ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, આ મહાન કાર્યમાં શિક્ષક ભાઈ-બહેનો સરળતાથી ભાગ લઈ શકે તે હેતુથી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કાર્યાલય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તા.16 સપ્ટેમ્બર મંગળવારના રોજ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8 થી 11 કલાક સુધીનો રહેશે. આ ફેરફાર ફક્ત આ એક જ દિવસ પૂરતો લાગુ પડશે, જેથી શિક્ષકો સવારે 11 પછી 300 થી વધુ સ્થળોએ આયોજિત રક્તદાન શિબિરમાં ભાગ લઈ શકે. રક્તદાન એ જીવનદાન છે. એક નાનકડું યોગદાન કોઈના જીવનને બચાવી શકે છે. રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને આ અવસરનો લાભ લઈને આ માનવતાના મહાદાનમાં જોડાઈ, સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા અપીલ છે. આ નિર્ણય શિક્ષકોને સમાજસેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે અને રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ પણ ફેલાવશે.