( પ્રતિનિધી )વડોદરા,તા.6
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ 2025-26 શૈક્ષણિક વર્ષના કેલેન્ડર પ્રમાણે શાળાઓમાં 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર, 2025 સુધી 21 દિવસની દિવાળીની રજા રહેશે. જ્યારે, ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2026 થી 16 માર્ચ, 2026 દરમિયાન લેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં પ્રથમ સત્ર 15 ઓક્ટોબરે પૂર્ણ થાય છે અને 16 ઓક્ટોબરથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પડી જશે. આ દિવાળી વેકેશન 05 નવેમ્બર સુધીનું રહેશે અને ત્યારબાદ 6 નવેમ્બરથી શાળાઓમાં ફરી બીજા સત્રનો પ્રારંભ થશે. દ્વિતીય સત્ર 06 નવેમ્બરથી 3 મે-2026 સુધીનું 144 દિવસનું રહેશે. શાળાઓમાં બંને સત્રના કુલ 249 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. જેમાં 09 સ્થાનિક રજાને બાદ કરતા 240 દિવસ કાર્યના રહેશે. પ્રથમ સત્રનો પ્રારંભ 9 જૂન 2025થી થયો હતો જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. આ સત્રમાં કુલ 105 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. દ્વિતીય સત્ર દિવાળી વેકેશન બાદ 6 નવેમ્બર-2025થી શરૂ થશે અને 3 મે-2026ના રોજ પૂર્ણ થશે. આ સત્રમાં કુલ 144 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, આ વર્ષે કુલ 80 દિવસની રજાઓ રહેશે, જેમાં મુખ્યત્વે ઉનાળુ અને દિવાળીના બે મોટા વેકેશનનો સમાવેશ થાય છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કુલ 240 દિવસનું શિક્ષણકાર્ય નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે શૈક્ષણિક વર્ષ દરમિયાન કુલ 80 દિવસની રજાઓ રહેશે.